‘રાણા’ પર હુમલો કરનાર, રાણો ‘રાણા’ની રીતે સરન્ડર
રવિરત્ન પાર્કમાં કાર પાર્કીંગના પ્રશ્ર્ને એક વર્ષથી ચાલતા વિવાદ અને ઇન્સ્ટાગ્રામમાં અભદ્ર ભાષામાં ઉગ્ર બોલાચાલીના કારણે સવેશ્વર ચોકમાં સરાજાહેર હુમલો કર્યો’તો
સવેશ્વર ચોકમાં એક સપ્તાહ પૂર્વે ગરાસીયા યુવાન પર ખૂની હુમલો કરવાના ગુનામાં સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કર્યા બાદ આગોતરા જામીન અરજીની આવતીકાલે સુનાવણી થાય તે પુર્વે લોક સાહિત્યકાર દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતા તેની હત્યાની કોશિષના ગુનામાં ધરપકડ કરી છે.રવિરત્ન પાર્કમાં કાર પાર્કીંગના પ્રશ્ર્ને પટેલ પરિવાર અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે થયેલા ઝઘડાના કારણે વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા મયુરસિંહ સંપતસિંહ રાણા સાથે ઘર્ષણ થયું હતું. પટેલ પરિવાર અને રાણા પરિવાર વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન લંડન સ્થીત જય પટેલની સોશ્યલ મીડિયાના માધ્યમથી એન્ટ્રી થઇ હતી અને તેને વિદેશથી ઇન્સ્ટાગ્રામ દ્વારા બેફામ વાણી વિલાશ કર્યો હતો.
છેલ્લા એક વર્ષથી ચાલતા વિવાદના કારણે ઉશ્કેરાયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સોએ સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ સંપતસિંહ રાણા પર પાઇપ અને ધોકાથી ખૂની હુમલો કરી ભાગી ગયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
ગરાસીયા યુવાન પર ખૂની હુમલો કરી ભાગી છુટેલા દેવાયત ખવડને ઝડપી લેવા ગરાસીયા સમાજ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
દરમિયાન દેવાયત ખવડે પોલીસ ધરપકડની દહેશતે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આગોતરા જામીન અરજીની સુનાવણી આવતીકાલે થાય તે પૂર્વે બપોરે દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતા ડી.સી.પી. ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયા, પી.આઇ. વાય.બી.જાડેજા અને એલ.એલ.ચાવડા સહિતના સ્ટાફે હત્યાની કોશિષના ગુનામાં ધરપકડ કરી છે.