સામસામે તલવાર, ધારિયા અને પાઇપ જેવા હથિયાર વડે તૂટી પડ્યા: ત્રણ મહિલા સહિત 14 સામે નોંધાતો ગુનો
જસદણ તાલુકાના આટકોટ ગામમાં કૈલાશ નગર વિસ્તારમાં ગઈ કાલે જૂની અદાવતમાં બે પરિવાર વચ્ચે મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.
જેમાં સામસામે મારામારીમાં એક મહિલા સહિત છ લોકો ઘવાયા છે અને સામસામે તલવાર, ધારિયા અને પાઇપ જેવા હથિયાર વડે તૂટી પડતા પોલીસે ત્રણ મહિલા સહિત 14 શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આટકોટમાં કૈલાશ નગરમાં રહેતા અને ડ્રાઈવિંગ કામ કરતા રાજેન્દ્રભાઈ ઉર્ફે રાજુભાઈ દાફડા નામના 53 વર્ષના પ્રૌઢે આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગઈ કાલે પોતે રાત્રીના 8:30 વાગ્યાના અરસામાં દૂધ લઈને ઘરે આવતા હતા ત્યારે પાડોશમાં રહેતા જીતુ સોમાં દાફડા પત્ની જ્યોતિબેન અને પુત્રી મનીષા સાથે ઘર પાસે રહેલા બાકડા અને પાણીની મેઇન પાઇપ લાઇનમાં કનેક્શન બાબતે માથાકૂટ કરતા હતા.
જે બાબતે રાજેન્દ્ર ભાઈએ રોકતા જીતુ સોમા દાફડા, જેસીંગ સોમા દાફડા, ભગા જેસીંગ દાફડા, સોમા દાફડા, જીતુના પત્ની ભાવનાબેન દાફડા, જેસીંગના પત્ની પારૂલબેન દાફડા, લખમણ નાથા દાફડા અને મુન્ના લખમણ દાફડા ધારિયા અને પાઇપ વડે તૂટી પડ્યા હતા. આ તમામ શખ્સોએ રાજેન્દ્રભાઈ તેમના પત્ની જ્યોતિબેન, પુત્રી મનીષાબેન અને પુત્ર ઉમેશ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યારે સામાપક્ષે જેસીંગભાઈ સોમાભાઈ દાફડા નામના 42 વર્ષીય આધેડે આટકોટ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પાડોશમાં રહેતા રાજુ બધા દાફડાનો પુત્ર ઉમેશ બધાને ઘર પાસે ભેગા કરી ગાળાગાળી કરતો હોય જે બાબતે અનેક વખત ટોકવા છતાં પણ ગઇ કાલે ઘર પાસે ગાળાગાળી કરતા હતા. જે બાબતે પોતે ટપારતા ઉશ્કેરાયેલા રાજુ બધા દાફડા, દિલીપ રાજુ દાફડા, ઉમેશ રાજુ દાફડા, જ્યોતિબેન રાજુ દાફડા, વિનું માવજી દાફડા અને સંદીપ વીનું દાફડા સહિતના શખ્સોએ તલવાર, લાકડી જેવા હથિયાર વડે તૂટી પડ્યા હતા.
પાડોશીઓએ કરેલા જેસીંગ ભાઈ પર હુમલાના કારણે તેમને છોડાવવા આવેલા તેમના ભાઈ જીતુભાઈ અને પુત્ર મોહિત પર પણ આ શખ્સોએ હુમલો કરતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટના અંગે પોલીસને જાણ થતાં આટકોટ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ગુણવંતસિંહ જાડેજા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી ત્રણ મહિલાઓ સહિત 14 શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથધરી છે.