પ્રમુખ સ્વામી ચૂંટણીમાં નામાંકન માટે મને હંમેશા પેન મોકલતા: નરેન્દ્રભાઈ મોદી
પ્રમુખ સ્વામી મહારાજનો 100મો જન્મોત્સવ એ આપણા પરનું તેમનું ઋણ ચૂકવવાનો અવસર: મુખ્યમંત્રી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રમુખ સ્વામી જન્મશતાબ્દી મહોત્સવનો અમદાવાદ ખાતેથી પ્રારંભ કરાવતા જણાવ્યું કે, આ જન્મશતાબ્દી મહોત્સવ આવનારી પેઢીને પ્રેરણા આપશે. ભાવી પેઢી પ્રમુખ સ્વામી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા અહીં પધારશે તેવો ભાવ વડાપ્રધાનએ પ્રગટ કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રમાં પણ પ્રમુખ સ્વામીની શતાબ્દી મહોત્સવ મનાવાઇ રહ્યો છે. તેમના વિચાર શાસ્વત છે. સાર્વભૌમિક છે. સંતોની મહાન પરંપરા, વેદથી વિવેકાનંદ સુધીની સંતધારાને પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતોએ અવિરતપણે આગળ વધારી છે, એવું વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે મારૂં સૌભાગ્ય છે કે આજે મને સત્સંગી બનવાનો અવસર મળ્યો છે. અહીં દિવ્યતાની અનુભૂતિ છે. સંકલ્પોની ભવ્યતા છે. આ નગરમાં સંસ્કૃતિ અને વારસાને આવરી લીધા છે.
ભારતનો પ્રત્યેક રંગ અહીં દેખાય છે. સંતોનું કલ્પના સામર્થ્ય છે. મહંતસ્વામીના આશીર્વાદથી એટલું મોટું ભવ્ય આયોજન વિશ્ર્વને પ્રભાવિત કરશે. 1981 પહેલી વાર વ્યક્તિગત સ્વામીજીનો સત્સંગ થયો. સ્વામીજીએ અધ્યાત્મ અને વિજ્ઞાનનો અદ્ભૂત સંયોગ સાધ્યો હતો. તેમણે નાત, જાત, અમીર, ગરીબ જેવા ભેદ ખતમ કરી દીધા. ચૂંટણીના નામાંકન માટે પ્રમુખસ્વામી હંમેશા મને પેન મોકલતા. તેઓ 40 વર્ષ સુધી કુર્તા પાયજામા પણ દર વર્ષે મને મોકલતા. અત્યારે પણ આ પરંપરા મહંત સ્વામી મહારાજે ચાલુ રાખી છે.
પ્રમુખસ્વામી મહારાજ જ્યાં હશે ત્યાંથી આજે પણ મને જુએ છે. મુખ્યમંત્રી તરીકે હંમેશા અક્ષરધામના શિખર દર્શન કરતો. દિલ્લી અક્ષરધામ સ્વામીના મહાન શિષ્યત્વની તાકાત બતાવે છે. પ્રમુખસ્વામી મહારાજને સંત પરંપરા બદલી. વિવેકાનંદ સ્વામી જેવું સેવાભાવના જીવન બનાવી છે. મંદિરો કે માધ્યમ્સે આપણી ઓળખ બનાવી. સંતોની ટ્રેનીંગ કેવી હોય તે જોવા સારંગપુર જવું. હું પણ સ્વયંસેવક છું. સાત્વિક વાતાવરણ અહીં છે.
વસુધૈવ કુટુંબકમની ભાવનાના દર્શન પણ આ મહોત્સવમાં થઇ રહ્યા છે, એમ કહી વડાપ્રધાને જણાવ્યું કે આ નગરમાં હજારો વર્ષની સમૃદ્ધ સંત પરંપરાના દર્શન થઇ રહ્યાં છે. ભારતની સંત પરંપરાએ સમગ્ર વિશ્વને જોડવાનું કામ કર્યું છે. વડાપ્રધાનએ પ્રમુખસ્વામી સાથેનાં અંગત સંસ્મરણો વાગોળ્યાં હતાં.
તેમણે કહ્યું કે, માનવ જીવનનું અંતિમ લક્ષ્ય સેવા હોવું જોઇએ. શાસ્ત્રો કહે છે જીવમાં જ શિવ છે, નરમાં જ નારાયણ છે. પ્રમુખસ્વામી મહારાજ સામે જેવી વ્યક્તિ હોય તેવું જ્ઞાન તેને પીરસી શકતા હતા. આ તેમના વ્યક્તિત્વની વિશાળતા હતી.
તેમણે કહ્યું કે, પ્રમુખસ્વામી સાચા અર્થમાં સમાજ સુધારક રિફોર્મીસ્ટ હતા. માણસ કેવો હોય, માનવ ભવિષ્ય કેવું હોય, વ્યવસ્થાઓ કેવી હોય તેનું આગવું માર્ગદર્શન પ્રમુખ સ્વામીએ આપ્યું છે. પ્રમુખ સ્વામીએ વ્યક્તિની સારપને સમર્થન આપી તેનું સંવર્ધન કરી સમાજ સુધારાની ક્રાંતિ સર્જી છે, એવું ઉમેર્યું હતું.વડાપ્રધાનએ મોરબી પૂર અને કચ્છના ભૂકંપ સહિતની વિવિધ આફતો વખતે બી.એ.પી.એસ સંસ્થા અને પ્રમુખસ્વામીએ વહાવેલી સેવાની સરવાણીની સરાહના કરી હતી.વડાપ્રધાનએ અક્ષરધામ મંદિર ઉપર આંતકવાદી હુમલા વખતની સ્મૃતિઓ તાજી કરતા કહ્યું કે, પ્રમુખસ્વામી દરેક આપત્તિ-સ્થિતિમાં સ્થિર ,સંતુલિત અને સ્વસ્થ રહી શકતા હતા. તેમણે દિલ્હીના અક્ષરધામના નિર્માણને પ્રમુખસ્વામીનું યુગ પ્રવર્તક કાર્ય ગણાવી જણાવ્યું હતું કે પ્રમુખસ્વામીએ તેમના ગુરુના વચનોને ઝીલીને યમુનાના કિનારે ભારતની સંસ્કૃતિના ઉદઘોષ કરતું ભવ્ય મંદિર બનાવી દીધું. આ તેમની શિષ્ય તરીકેની તાકાત દર્શાવે છે.
તેમણે વધુમાં કહ્યું કે પ્રમુખસ્વામીએ સંતની પરંપરાને પુન:જીવીત કરી છે. સંતોને સમાજસેવા- સમાજ ઉત્થાનના કાર્યોમાં જોડ્યા છે. ત્યાગાશ્રમને સ્વીકારનારા યુવાનોને તાલીમ-શિક્ષણ જ્ઞાન આપી આધુનિક સમય પ્રમાણે તૈયાર કરવાની વ્યવસ્થા બનાવી છે.
વડાપ્રધાનએ કહ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ દેવભક્તિ અને દેશભક્તિમાં ભેદ કરતા નહીં. તેમના મતે દેવભક્તિ અને દેશભક્તિ કરનારા બંને વ્યક્તિઓ સત્સંગી જ છે. પ્રમુખસ્વામી પાસે બેઠા હોય ત્યારે જાણે કોઇ ઘટાદાર વટવૃક્ષની છાયામાં બેઠા હોઇએ તેવી શીતળતા અને શાંતિની અનુભૂતિ થતી હતી. આજે એ જ અનુભૂતિ મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં થાય છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજસત્તાને ધર્મસત્તાનું માર્ગદર્શન અને આશિષ હંમેશા મળતા રહ્યા હોવાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, અમારી નવી સરકારને પણ જનહિત કાર્યોમાં સદૈવ કાર્યરત રહેવાની પ્રેરણા સંત શક્તિ આપશે.
મુખ્યમંત્રી તરીકે મારો પહેલો જાહેર કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા સંત શક્તિના ચરણોમાં અને પૂજ્ય બાપાના શતાબ્દી મહોત્સવના શુભારંભથી થાય તેનાથી વધુ સૌભાગ્યપૂર્ણ બાબત કોઇ ના હોઇ શકે, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી એ કહ્યું હતું કે, ગુણાતિત સંત પરંપરાના પાંચમા અનુગામી પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ એ જન-જનનો ઉત્સવ છે. પ્રમુખસ્વામી મહારાજનો 100મો જન્મોત્સવ એ આપણા પરનું તેમનું ઋણ ચૂકવવાનો અવસર છે.
મુખ્યમંત્રી એ પ્રમુખસ્વામી મહારાજના જીવન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજે જીવનના નવ નવ દાયકા સુધી કર્મઠ રહીને માનવસેવાનાં અનેક ક્ષેત્રોમાં પોતાનું સમસ્ત જીવન સમર્પિત કર્યું છે. આપત્તિઓના સમયમાં માનવ સમાજને બેઠો કરવાનું અને શાંતિના સમયમાં મજબૂત કરવાનું, તેનું ઘડતર કરવાનું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજ સતત કરતા રહ્યા હતાં. તેમણે જીવનની પળેપળ ખપાવી માનવીના સામાજીક આદ્યાત્મિક ઉત્કર્ષ અને સેવાનો અનોખો ચીલો પ્રમુખ સ્વામી મહારાજ કંડાર્યો છે તેમના આ કાર્યોને બિરદાવવાનો આ ઉત્સવ છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિમાં શ્રી પ્રમુખસ્વામી મહારાજના પ્રદાન અંગે જણાવતા ઉમેર્યું હતું કે, સંત, શાસ્ત્ર અને મંદિર એમ ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભો પ્રમુખસ્વામી મહારાજે મજબૂત કરવાનું યુગકાર્ય કર્યું છે. સ્વામીજીએ સુશિક્ષિત નવયુવાનોને વૈરાગ્યની પ્રેરણા આપીને, 1 હજારથી વધુ સુશિક્ષિત સંતોની સમાજને ભેટ આપી છે, એ સૌથી મૂલ્યવાન ભેટ ગણી શકાય.
નવી દિલ્હી અને ગાંધીનગરમાં પ્રમુખસ્વામી મહારાજે સર્જેલા સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરો, ભારતીય સંસ્કૃતિનું એક સીમાચિહ્ન બની ગયાં હોવાનું જણાવી મુખ્યમંત્રી શ્રી એ કહ્યું હતું કે. પ્રતિ વર્ષે વિશ્વભરના લાખો દર્શનાર્થીઓને પવિત્ર પ્રેરણા આપતા આ પરિસરોના અણમોલ પ્રદાન બદલ આવનારી અનેક પેઢીઓ પ્રમુખસ્વામી મહારાજને વંદન કરતી રહેશે.
પ્રમુખસ્વામી મહારાજે ધર્મના ક્ષેત્રે ઉત્તમ મૂલ્યો પ્રસરાવવા માટે આધુનિકતમ ટેક્નોલોજીનો વિનિયોગ કરવાની પહેલ કરી છે.
બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ભાજપ સરકાર પણ ’બહુજન હિતાય, બહુજન સુખાય’ મંત્ર સાથે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી સમાજશક્તિની સેવામાં કર્તવ્યરત રહેશે અને ગુજરાતના વિકાસ માટે અવિરત કાર્યરત રહેશે. એમણે ઉમેર્યું હતું.