વર્ષ 2009 બાદ
જન્મેલા તમામ લોકોને તમાકુના સેવન પર પ્રતિબંધ મૂકી દેવાશે !!
વિશ્વભરમાં ન્યુઝીલેન્ડ એક એવો દેશ છે જેમાં મોટાભાગે ગામડાઓ આવેલા છે. વિશ્વમાં ન્યુઝીલેન્ડને ગામડાઓનો દેશ ગણવામાં આવે છે. છૂટોછવાયો વિસ્તાર ધરાવતો દેશ અને તેની પ્રજા કાયદાના પાલનમાં અવ્વલ ગણવામાં આવે છે. તેનું જ પરિણામ છે કે, જ્યારે કોરોનાએ વિશ્વભરને હચમચાવી નાખ્યું હતું તે સમયે ન્યુઝીલેન્ડમાં કોરોના સંક્રમિત એક પણ દર્દી ન હતો. કાયદાના પાલનમાં ન્યુઝીલેન્ડની પ્રજા કદાચ વિશ્વભરમાં મોખરે હશે. એક માન્યતા મુજબ ન્યુઝીલેન્ડના ગામડામાં વાહનની મહત્તમ ગતિ મર્યાદા 100 કિમી/કલાક હોય તો કદાચ પોલીસ કે તંત્ર હાજર હોય કે નહીં પ્રજા આ ગતિ મર્યાદા ક્યારેય ચૂકતી નથી. કાયદાના પાલનમાં અવ્વલ ન્યૂઝીલેન્ડ એક ઐતિહાસિક પહેલ કરવા જઈ રહ્યું છે.
ન્યુઝીલેન્ડની સરકારના હેલ્થ વિભાગે જાહેરાત કરી છે કે 2023થી ન્યૂઝીલેન્ડમાં સ્મોકિંગ અને તમાકુ ઉપર પ્રતિબંધ મૂકાશે. યુવાપેઢી તમાકુના વ્યસનથી દૂર રહે તે માટે આજીવન પ્રતિબંધની જોગવાઈ થશે. તે ઉપરાંત તમાકુમાંથી નિકોટીનનું પ્રમાણ ઘટાડી દેવાશે.ન્યૂઝીલેન્ડની સરકારે આગામી પેઢીને તમાકુના વ્યસનથી દૂર રાખવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. ન્યૂઝીલેન્ડ આજીવન સ્મોકિંગ પ્રતિબંધ મૂકવાનું વિચારે છે. આવતા વર્ષે 2023માં ખાસ બિલ પસાર કરીને કાયદો બનાવવામાં આવશે. તે અંતર્ગત નવી જનરેશન સ્મોકિંગની ચુંગાલ ન ફસાય તે માટે 14 વર્ષ સુધીના બાળકો તમાકુની કોઈ જ પ્રોડક્ટ ન ખરીદે તેનું ખાસ ધ્યાન રાખીને લાઈફટાઈમ પ્રતિબંધ લગાડાશે.હાલ ન્યુઝીલેન્ડમાં જે કાયદો અમલમાં મુકવામાં આવનાર છે તે મુજબ 1 જાન્યુઆરી 2009 બાદ જન્મ થયો હોય તે તમામ વ્યક્તિઓને તમાકુનું સેવન તેમજ ખરીદ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવનાર છે. જે વ્યક્તિ આ કાયદાનું પાલન નહીં કરે તેને 1.50 લાખ ન્યુઝીલેન્ડ ડોલરનો દંડ ફટકારવામાં આવશે. આ પ્રતિબંધ આગામી પેઢીને જીવનભર લાગુ પડશે.
ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી ડો. આયેશા વેરાલે કહ્યું હતું કે, અમે એવું આયોજન કરી રહ્યા છીએ કે યુવાપેઢી સ્મોકિંગથી દૂર રહે. તે માટે આજીવન પ્રતિબંધની જોગવાઈ થશે. 2027 સુધીમાં સ્મોકિંગ ન કરતી હોય એવી જનરેશન સર્જાય તે દિશાના પ્રયાસો હાથ ધરાયા છે. કાયદો 2023માં લાવવામાં આવશે અને 2025 સુધીમાં સિગારેટ તેમ જ તમાકુની પ્રોડક્ટમાંથી નિકોટિનનું પ્રમાણ ઘટાડી દેવામાં આવશે.તેમણે ઉમેર્યું હતું કે ઉત્પાદકો ઉપર અંકુશ લાવવામાં આવશે. અત્યારે જે રીતે ઝુંબેશ ચાલી રહી છે તેના પરથી સ્મોકિંગ ઘટવાનું પ્રમાણ પાંચ ટકાથી નીચું લાવવામાં દશકા લાગી જાય તેમ છે. હવે તાકીદની અસરથી પગલાં ભરવા પડશે. અત્યારે ન્યૂઝીલેન્ડમાં 15 વર્ષની વયના 11.6 ટકા યુવાનો સ્મોકિંગ કરે છે. 20 વર્ષ સુધીના યુવાનોની ગણતરી કરવામાં આવે તો આંકડો 29 ટકા થઈ જાય છે. આ સ્થિતિ નિયંત્રણમાં આવે તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. ન્યૂઝીલેન્ડ આવી પહેલ કરીને દુનિયામાં પ્રેરક ઉદાહરણ પૂરૂં પાડશે.