લીંબડીના યુવકે ધરાર પ્રેમીકાએ સોશિયલ મીડિયામાં બદનામ કરી માર ખવડાવ્યો
અનેક બોયફ્રેન્ડ ધરાવતી યુવતીએ લગ્ન માટે ફરજ પાડી યુવકને ધમકાવ્યાની પોલીસમાં રાવ
લીંબડી શહેરના વચલાપરા વિસ્તારમાં રહી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં સ્ટાફ બ્રધર્સ તરીકે ફરજ બજાવતા જયેશ દયારામભાઈ ડાભીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે વિંછીયા તાલુકાના રેવાણિયા ગામે રહેતી ભાવના વલ્લભભાઈ મકવાણા લીંબડી સરકારી હોસ્પિટલમાં એએનએમ તાલીમ શાળામાં અભ્યાસ કરવા આવી હતી. તે સમયે અમારા બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ફોન નંબરની આપલે થઈ હતી. બન્ને વચ્ચે પ્રેમના અંકુરો ફૂટ્યા હતા. સમય જતાં જયેશને જાણવા મળ્યું કે ભાવના અન્ય પુરુષો સાથે પણ સંબંધો ધરાવે છે. જેથી જયેશે ભાવના સાથે સંબંધ પૂર્ણ કરી દીધો હતો.છતાંય ભાવનાએ લગ્નનો કરવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ બન્ને અલગ-અલગ જ્ઞાતિના હોવાથી જયેશે ભાવના સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
તેણીએ જયેશને ધમકી આપી હતી કે તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું બીજી કોઈ છોકરી સાથે તારા લગ્ન થવા નહીં દઉં. તને સમાજમાં બદનામ કરી નાખીશ. પોલીસ કેસમાં ફસાવી દઈશ.
ભાવનાએ સોશિયલ મીડિયા પર જયેશ અને તેના બહેન શારદી ડાભીના નામનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. ભાવનાએ ફેક એન્કાઉન્ટ બનાવી જયેશ અને તેના એડિટિંગ કરેલા ફોટા અપલોડ કર્યા હતા. સાથે જ સગા, સંબંધી, મિત્રોના ફેસબુક પર બન્નેના ફોટા તથા અપશબ્દો લખીને વાયરલ કર્યા હતા. જેના કારણે જયેશ ડાભીની સાથે અનેક લોકોની બોલાચાલી પણ થઈ હતી. ફેક એન્કાઉન્ટના કારણે જયેશને અનેક લોકો મેથીપાક પણ ચખાડતા હતા. આમ પૂર્વ પ્રેમિકાના કારસ્તાનથી કંટાળીને જયેશ ડાભીએ લીંબડી પોલીસ મથકે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.