અકસ્માતમાં એક મહિલા પણ ઘવાઈ: ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા
શહેરના ભરચક વિસ્તાર એવા નાનામૌવા રોડ પર આજ સવારે સ્કૂલ બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે એક મહિલા ઘાયલ થઈ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. જેમાં અકસ્માતના પગલે ભારે ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી પ્લોટ વિસ્તારમાં માતૃછાયા નવલનગર -18 માં રહેતા યજ્ઞેશભાઇ અશોકભાઈ રાવલ નામના 30 વર્ષના યુવાનને નાનામૌવા રોડ પર શાસ્ત્રીનગર પાસે પોતાનું જીજે – 03 – એલઈ – 9416 નંબરનું એક્ટિવા લઈને જતા હતા. ત્યારે એક સ્કૂલ બસ સાથે અકસ્માત સર્જાતા તેને ગંભીર ઇજા થઇ હતી.
અકસ્માતના પગલે યુવાન યજ્ઞેશભાઇને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તે પહેલાં જ યુવાનને કાળ આંબી જતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે. આ અકસ્માતમાં વધુ એક મહિલા ઘાયલ થઈ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે.
ઘટનાને પગલે લોકોની ભીડભાડ ધરાવતા એવા નાનામૌવા રોડ પર ભારે ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાબડતોડ દોડી ગયો હતો અને ટ્રાફિક કલિયર કરાવી યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.