ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર નજીક આવેલા આતલીયા ગામનાં એક ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. જેમાં એક બાળકનું મોત અને ત્રણ લોકો દાઝ્યા છે.જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ કાર્યવાહી હતી.
વિગતો મુજબ ગણદેવીના બિલીમોરાના આતલિયા ગામનાં ગણેશનગરમાં ગોઝારી ઘટના બની છે. જેમાં ગણેશનગરનાં એક ઘરમાં રસોઈ બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં ઘરમાં હાજર ચાર લોકો દાઝ્યા હતા. આ લોકોને પહેલા વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એક વર્ષનાં બાળકનું મોત નીપજ્યુ હતું.
અન્ય ત્રણ લોકો પણ ઇજાગ્રસ્તોની હાલત પણ વધારે ખરાબ જણાતા તેમને વલસાડથી સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.જોકે, આ બ્લાસ્ટને કારણે આખા ઘરની વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે. આ બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે, આસપાસનાં લોકોમાં પહેલા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે બાદ તરત જ ત્યાં આવી પહોંચીને પોલીસને જાણ કરવામાં આવી હતી.