ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં આરોપીને પકડ્યા :એક તરફી પ્રેમમાં અપહરણ થયાનું ખુલ્યું
રાજકોટમાં ગઈકાલ સાંજના સમયે કોઠારીયા નજીક બાંધકામ ની સાઈડ પર મજૂરી કામ કરતા આદિવાસી દંપતીના નજર સામે જ તેની 16 વર્ષની પુત્રીનું પાંચ શખશો બાઈક પર આવી અપહરણ કરી ગયા હતા જે મામલે ક્રાઈમરાજની ટીમ ગણતરીની કલાકોમાં જ અપહરણકારોને પકડી કિશોરીને મુક્ત કરાવી હતી. જ્યારે તપાસ કરતા એક તરફી પ્રેમમાં અપહરણ કર્યા હોવાનું કર્યું હતું.
વિગતો મુજબ ગઈકાલે રાત્રીના દોઢેક વાગ્યે ત્રણ મોટરસાયકલ ઉપર ધસી આવેલા છ આરોપીઓએ આદિવાસી દંપતિને ગાળો ભાંડી, લાકડાના ધોકા વતી હુમલો કરી તેની સગીર વયની પુત્રીનું અપહરણ કરી લીધું હતું. જે અંગે આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા ગઈકાલ રાતથી ક્રાઈમબ્રાન્ચની ટીમો પીઆઈ વાય. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાઈ હતી.
આખરે આ ટીમના પીએસઆઈ હુણ અને પટેલે સ્ટાફના માણસોની મદદથી અપહરણ કરનાર આરોપીઓને લાંબી દોડધામના અંતે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઝડપી લીધા હતા. જેમાં સોહન પવાર (રહે . કોઠારીયા ગામ), કમલેશ ભુરીયા (રહે.જબલપુર, તા. ટંકારા), કૈલાશ અમલીયાર, કમલ અજનારીયા અને રાજુ ભુરીયા (રહે. ત્રણેય રોહીશાળા, તા.ટંકારા)નો સમાવેશ થાય છે. આ પાંચેય આરોપીઓ મુળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની છે. એક આરોપી હજુ હાથમાં નહીં આવતા તેની શોધખોળ જારી રખાઈ છે.
ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વાઈ.બી જાડેજા અને તેની ટીમ દ્વારા તપાસમાં એવું ખુલ્યું હતું, કે મુખ્ય આરોપી સોહન કડિયાકામની સાઈટ ઉપર પાણીના ટેન્કરના ફેરા કરતો હતો. તે ત્યાં જતો ત્યારે અપહત કિશોરી સામે અવાર નવાર જોતો હતો. જેને કારણે તેને તેની સાથે એકતરફી પ્રેમ થઈ જતા તેને ઉપાડી જવાની યોજના બનાવી પોતાના મિત્ર એવા અન્ય આરોપીઓનો સંપર્ક કર્યો હતો. તેણે અન્ય મિત્રો એવા આરોપીઓને કહ્યું કે રાજકોટથી લાડી (છોકરી) ઉપાડી વતનમાં લઈ જવાની છે. તમામ આરોપી મિત્રો સહમત થઈ ગયા બાદ યોજના બનાવી હતી. જેના ભાગરૂપે સોહન અને બીજા પાંચ આરોપીઓ ગઈકાલે મોડી રાત્રે એકત્રિત થયા બાદ સીધા આદિવાસી દંપતિને ત્યાં ત્રણ બાઈક ઉપર ધસી જઈ તેની ઉપર હુમલો કરી તેની પુત્રીનું અપહરણ કરી લીધું હતું.