જમીન અને આબોહવા અને બીજની પસંદગી સારા ઉતારા માટે કારણભૂત
જીરૂ એ આપણા દેશને હૂંડિયામણ કમાવી આપનાર અગત્યનો મસાલા પાક છે. દુનિયામાં ભારત જીરૂનો સૌથી મોટો ઉત્પાદક અને વપરાશકાર દેશ છે. જીરૂનું વાવેતર દેશમાં ગુજરાત અને રાજસ્થાનના સૂકા અને અર્ધસૂકા જીલ્લાઓમાં મોટા પાયે થાય છે. જીરૂની ખેતી વધુ કાળજી માંગી લેતો પાક હોવાથી ખેડૂતોએ જીરૂ પાકતા સુધી સજાગ રહેવું ખૂબ જરૂરી છે. જીરૂની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિને લીધે જીરૂનું ઉત્પાદન વધવા લાગ્યું છે. પરિણામે આવક વધતાં જીરૂની ખેતી કરવાનો ઉત્સાહ દર વર્ષે ખેડૂતોને વધતો જ જાય છે. જીરાનો પાક અન્ય પાકોની સરખામણીમાં ટૂંકા ગાળામાં, ઓછી મહેનત અને ઓછા ખર્ચે વધુ વળતર આપનારો રોકડીયો પાક છે. જીરૂનું ઉત્પાદન સીઝનલ હોવાથી અને સ્થાનિક અને દરિયાપારની માંગ વ્યાપક રહેવાથી ભાવોમાં વધઘટ જોવા મળે છે. પરંતુ જો હવામાન અનુકૂળ ન આવે તો ઓછી આવક થતા ખેતી ખર્ચ પણ મળતો નથી. તેથી જે ખેડૂતો જીરાની ખેતી કરવા માંગતા હોય તો જીરૂની વૈજ્ઞાનિક ખેતીનો અભ્યાસ કર્યા પછી સમજ કેળવીને ત્યાર બાદ જ ખેતી કરવી જોઈએ.
જમીન અને આબોહવા :
જીરાના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ તેમજ મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ઉપરાંત, આ પાકને ઠંડું અને સૂકુ હવામાન વધુ માફક આવે છે. આથી મહત્તમ ઉત્પાદન લેવા જીરૂના પાકની સમયસર વાવણી કરવી જોઈએ.
બીજની પસંદગી :
જનીનિક તેમજ ભૌતિક શુદ્ધતાવાળુ, સારી સ્કૂરણ શક્તિ ધરાવતું અને શુદ્ધ બિયારણ એ વધુ અને નફાકારક ઉત્પાદનની ચાવી છે. તેથી પ્રમાણિત બિયારણ કૃષિ યુનિવર્સિટીઓ અને માન્ય સરકાર સંસ્થાઓ જેવી કે રાજય રાષ્ટ્રીય બીજ નિગમ પાસેથી જ ખરીદ કરવાનો આગ્રહ રાખવો અને આવા બિયારણો 2-3 વર્ષ ફેરબદલી કરી નવું બિયારણ વાપરવું.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં જીરૂનો ભાવ ઓલ ટાઈમ હાઈ -રૂ.5100 પહોંચ્યો
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરૂની મબલખ આવક સાથે ભાવ પણ સારા મળી રહ્યા છે.રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં જીરૂનો ભાવ ઓલ ટાઈમ હાઈ એટલે કે, રૂ.5100 એ પહોંચ્યો છે.