- ક્રૂડ ઓઈલના ભાવ વર્ષની નીચી સપાટીએ: ભારતની વેપાર ખાધ ઘટશે સાથોસાથ રૂપિયો પણ મજબૂત થશે
- માર્ચ મહિનામાં 129 ડોલર પ્રતિ બેરલે પહોંચેલા ક્રૂડના ભાવ અત્યારે 76 ડોલરએ પહોંચ્યા
વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવથી ભારતીય અર્થતંત્રને બુસ્ટર મળશે. ક્રૂડના ભાવ અત્યારે વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા છે. જેને પગલે હવે વેપાર ખાધ ઘટશે અને સાથોસાથ રૂપિયો મજબૂત પણ થશે.
ક્રૂડ ઓઈલના ભાવ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. અત્યારે ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 76 ડોલરની આસપાસ ચાલી રહી છે. રશિયા દ્વારા યુક્રેન પર હુમલા બાદ બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ હતું, જેના કારણે ક્રૂડના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ આ પછી ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.તેની વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ નરમાઈ જોવા મળી નથી.
છેલ્લા સાડા છ મહિનાથી વધુ સમયથી સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ જૂના સ્તરે જ રહ્યા છે. જોકે, આગામી સમયમાં તેમાં ઘટાડો થવાની ધારણા છે. અગાઉ, 1 ડિસેમ્બર, 2021 ના રોજ, ક્રૂડની કિંમત બેરલ દીઠ 68.86 ડોલર પર ચાલી રહી હતી.
ક્રૂડના ભાવમાં ઘટાડા પાછળ વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી તીવ્ર મંદીને કારણભૂત માનવામાં આવી રહી છે. બીજી તરફ ચીનમાં કોરોનાના પ્રતિબંધો હોય, ત્યાં ક્રૂડની માંગ ઓછી છે. તે પણ ભાવ ઘટાડામાં કારણભૂત છે. ક્રૂડના ભાવ ઘટાડાથી ભારતને અનેક ફાયદા થવાના છે. જેમાં ભારતનું ક્રૂડ આયાત બિલ ઘટી રહ્યું છે. જેના કારણે વેપાર ખાધમાં ઘટાડો થશે. ક્રૂડના નાણા ઓછા ચૂકવવા પડશે એટલે ડોલર પણ ઓછા ખર્ચાશે. આ કારણોસર રૂપિયો પણ મજબૂત થશે.
બ્રેન્ટ ક્રૂડની વર્તમાન કિંમત 76.10 ડોલર પ્રતિ બેરલ એટલે કે 6,272.20 રૂપિયા પ્રતિ બેરલ છે. મતલબ કે તેનો ભાવ 6,272 રૂપિયા પ્રતિ 159 લિટર છે. એટલે કે કિંમત 39.45 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ. જો માર્ચ મહિનામાં 140 લિટર પ્રતિ બેરલ એટલે કે 11,538 રૂપિયા પ્રતિ બેરલ પ્રતિ 159 લિટર ક્ધવર્ટ કરીએ તો તે 72.57 રૂપિયા પ્રતિ લિટર હતું. 9 મહિનામાં બ્રેન્ટ 33.12 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે.
ઉલ્લેખનીય છે કે દેશની મોટી સરકારી ઓઈલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલની કિંમતો દૈનિક ધોરણે નક્કી કરવાનો અધિકાર છે. ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે પરંતુ લાંબા સમયથી ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ભાવ સમાન સ્તરે જ રહ્યા છે.