‘કેબીસી જુનિયર્સ’ સુધી પહોંચી પરિવાર તેમજ મોરબી-રાજકોટનું નામ રોશન કરતી રિધમ કામરીયા
મૂળ ટંકારા પંથકની અને હાલ રાજકોટ ખાતે રહેતી ફક્ત 9 વર્ષની બાળકી વિશ્વ વિખ્યાત ’કૌન બનેગા કરોડપતી’ના મંચ સુધી પહોંચી છે. ફક્ત પાંચ વર્ષની નાની વયથી જ વાંચનનો અદભુત શોખ ધરાવતી 9 વર્ષીય રિધમ કૌન બનેગા કરોડપતિ-જુનિયર્સ સીઝનના મચ પર પહોંચી ટંકારા-મોરબી તેમજ રાજકોટનું નામ રોશન કર્યું છે.
મુળ ટંકારા તાલુકાના જબલપુર અને હાલ રાજકોટ રહેવાશી નિલેશભાઇ મગનભાઇ કામરીયાની ફક્ત ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી રિધમ કે જેની ઉમર ફક્ત 09 વર્ષ છે. તે બાળકી સમગ્ર દેશમાં ખુબ ખ્યાતી મેળવી ચૂકેલા અને અમીતાભ બચ્ચન દ્વારા યજમાનીત કાર્યક્રમ કૌન બનેગા કરોડપતી-જુનીયર્સમાં આગામી સોમવારથી ગુરુવાર એટલે કે તારીખ 1ર થી 15 ડિસેમ્બર-2022 દરમ્યાન સોની ટીવી પર જોવા મળશે.
રીધમ નાનપણથી જ તેમના દાદા સ્વ. ટપુભાઇ કામરીયાની જેમ વાંચવાની શોખીન છે. તેણીએ વિતેલા કોરોનાકાળમાં બસોથી પણ વધુ પુસ્તકો વાંચ્યા છે. હાલ પણ રીધમ માઇન્ડ ગેમ, ઇનોવેટીવ અને સાયન્ટીફીક-શો તથા વાંચનમાં વિશેષ રૂચી ધરાવે છે. કાર્યક્રમ દરમ્યાન અમીતાભ બચ્ચનની હાજરીમાં રમત રમતા, મસ્તી કરતા અને ફાસ્ટેસ્ટ ફીંગર ફર્સ્ટ દરમ્યાન સોમથી ગુરુવાર સુધી રીધમની હાજરી જોવા મળશે. રીધમને આ ખ્યાતનામ કાર્યક્રમ સુધી પહોંચાડવામાં અને પોતાની બાળકીને પ્રોત્સાહીત કરવા જાત ઘસી તેની માતા અલ્પાબેને વિશેષ જહેમત ઉઠાવી છે.
વધુમાં રિધમ ટંકારા પંથકમાં ખ્યાતી પામનાર થાઇલેન્ડ જામફળ પકવનાર મગનભાઇ તથા ગૌરીબેનની જ પૌત્રી છે. ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુલાલ કામરીયા તેમના નાના દાદી છે. બાળકોને ટીવી તથા મોબાઇલમાં ન જોવાની અને ન શીખવાની બાબતોથી દુર રાખવા અને વિશેષ, ધાર્મીકતા અને યોગ દ્વારા જો બાળકોને તેમના વાલીઓ થોડો પણ નિયમીત સમય આપે તો દરેક બાળકમાં કોઇ પણ ઉંચાઇએ પહોંચવાની શક્યતાઓ નકારી શકાતી નથી તેવું રિધમના પરિવારજનોએ જણાવ્યુ છે. રિધમનું કૌન બનેગા કરોડપતી-જુનીયર્સનાં ટોપ ટેનમાં પસંદગી થતા જબલપુર ગામ તથા સમગ્ર કામરીયા પરીવાર માટે ગૌરવની લાગણી છવાઈ છે અને આ વિસ્તારનાં દરેક લોકો તરફથી રિધમને હાર્દીક અભીનંદન અપાઇ રહ્યા છે.
લાખો સ્પર્ધકોમાંથી મારી પસંદગી કરાઈ: રિધમ કામરીયા
9 વર્ષીય રીધમે અબતક સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, મને પહેલેથી જ વાંચન કરવાનો ખુબ જ શોખ હતો. હું ફક્ત પાંચ વર્ષની હતી ત્યારથી જ મેં લાઈબ્રેરી ખાતે જઈને વિવિધ પ્રકારના પુસ્તકોનું વાંચન કરતી હતી અને મેં કોરોના કાળમાં આશરે 200 જેટલાં વિવિધ પુસ્તકોનું વાંચન કર્યું છે. હું ઘણા સમયથી કૌન બનેગા કરોડપતિ શો નિયમિતપણે નિહાળતી હતી. જે બાદ મને ખબર પડી કે, કેબીસી જુનિયર્સ શરૂ થવાનું છે અને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે, મારે કેબીસી જુનિયર્સમાં પહોંચવું છે. ત્યારબાદ મેં ઓનલાઈ કેબીસી દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ આપવાનું શરૂ કર્યું અને ત્યારબાદ મને કેબીસીમાંથી ફોન આવ્યો કે, તમારું પ્રાથમિક સિલેક્શન થઇ ગયું છે. ત્યારબાદ મેં લેખિત અને ત્યારબાદ મૌખિક ઇન્ટરવ્યૂ આપ્યું જેમાં પણ હું સિલેક્ટ થઇ ગઈ અને લાખો બાળકો પૈકી ફક્ત 20 બાળકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી હું પણ એક હતી. ત્યારબાદ હું ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ સુધી પહોંચી હતી જ્યાં અમિતાભ બચ્ચન સાથે અનેક રમૂજ કરી હતી.
સમગ્ર પરિવાર રિધમ પર ગર્વ અનુભવે છે: અલ્પાબેન કામરીયા (માતા)
રિધમના માતા અલ્પાબેને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રિધમને વાંચનનો શોખ વારસામાં મળ્યો છે. અમારા પરિવારમાં અનેક લોકો વાંચનનો શોખ ધરાવે છે ત્યારે ફક્ત પાંચ વર્ષની ઉંમરથી જ વાંચન કરવાનું શીખી ગઈ હતી. તે અન્ય બાળકોની જેમ જીદ કરવી, તોફાન કરતી જ નથી. તે ટીવીમાં અવકાશયાત્રી, વૈજ્ઞાનિકોના અહેવાલો જોતી હોય છે. તે વિવિધ પ્રકારના પુસ્તકોનું વાંચન કરે છે. રિધમ શાળામાં પણ ખુબ સારુ પ્રદર્શન કરે છે. તેનો રિપોર્ટ કાર્ડ હંમેશા એ પ્લસ જ હોય છે. તેણે પ્રથમવાર અમને કેબીસી જવાનો વિચાર રજૂ કર્યો ત્યારે પણ અમને વિશ્વાસ હતો કે તે અન્ય બાળકોની જેમ ફક્ત બોલવા માટે નથી કહેતી પરંતુ તે સાચે જ આવું કરી બતાવશે અને સમય જતા તેણે કહેલા તમામ શબ્દો સાચા પડ્યા અને તે કેબીસી સુધી પહોંચી તે વાતનો અમને ગર્વ છે.