અદાણી યુની.ઈન્ટ્રા કોલેજ હેકાથોનનમાં નિષ્ણાંતોએ આપ્યું માર્ગદર્શન
અમદાવાદ સ્થિત અદાણી યુનિવર્સિટી ખાતે તાજેતરમાં ઇન્ટ્રા-કોલેજ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. IQM કોર્પોરેશનના સહયોગથી 24 કલાક ચાલેલી આ હેકાથોનમાં નાના-મોટા અનેક વ્યવસાયોને લગતા જટીલ પડકારો અંગે માહિતી આપવામાં આવી હતી. હેકાથોનમાં જોડાયેલી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓએ ભવિષ્યના પડકારોનો સામનો કરવા એડીચોટીનું જોર લગાવ્યું અને આઈટી ક્ષેત્રે વૈશ્વિક પડકારોથી માહિતગાર થયા હતા. આજના ગ્લોબલ ડિજિટલાઈઝેશનના યુગમાં દુનિયાના લગભગ તમામ વ્યવસાયો ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી)થી સંકળાયેલા છે. તેવામાં અત્યાધુનિક ટેકનોલોજી અને ટેકનીક્સથી માહિતગાર રહેવું અત્યંત આવશ્યક બની ગયું છે.
આઈટીના વિદ્યાર્થીઓ ભવિષ્યના પડકારોનો સામનો કરવા સુસજ્જ થાય તે હેતુથી આ હેકાથોનમાં વિવિધ જાતના ટાસ્ક રાખવામાં આવ્યા હતા. 43 સહભાગી ટીમોનું માટે ત્રણ કલાકનું પ્રારંભિક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટોચની 22 ટીમોને અંતિમ સ્પર્ધા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી.હેકાથોનને સોશ્યલ કોડિંગ સ્પર્ધા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પરિણામલક્ષી ઉકેલો આપે છે. હેકાથોનની ડેબ્યુ એડિશનમાં વિદ્યાર્થીઓની પ્રોડક્ટીવીટીમાં વધારો કરતી નવતર ટેકનીક્સની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. વિજેતા ટીમની જાનકી મારડિયા (આઈસીટીબેચ, 2019-23) જણાવે છે કે “આ પ્રકારના ઇવેન્ટમાં મેં પ્રથમ વખત ભાગ લીધો હતો તેનો ખુબ જ સારો અનુભવ હતો. વિષય નિષ્ણાત માર્ગદર્શકો અને સહભાગીઓ સાથે રહેવાથી મારા માટે સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડીબગીંગ જેવા ઘણા ટાસ્ક વિશે નવું શીખવા મળ્યું છે.”
આઈકયુએમ કોર્પોરેશનના ડાયરેક્ટર હર્ષ પટેલ જણાવે છે કે અમે અદાણી યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓની ભરતી કરીએ છીએ. અમે અહીંના વિદ્યાર્થીઓમાં જબરદસ્ત ક્ષમતા જોઈ છે. તેઓ હંમેશા નવીન ઉત્પાદનો, સેવાઓ અને સિસ્ટમો વિકસાવવા આતુર હોય છે. હેકાથોનનું આયોજન આવી અદભૂત પ્રતિભાઓને આગળ લાવવા અને તેમને વૈશ્વિક ટેક્નોલોજી અને ટ્રેન્ડ્સથી માહિતગાર થવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ છે. હેકાથોનનો ધ્યેય ઇવેન્ટના અંત સુધીમાં કાર્યકારી સોફ્ટવેર અથવા હાર્ડવેર બનાવવાનો હોય છે. જેમાં ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામિંગ ભાષા, ઓપરેટિંગ સિસ્ટમ, એપ્લિકેશન, અઙઈં અથવા વિષય અને પ્રોગ્રામર જૂથનો સમાવેશ થઈ શકે છે.