ભ્રષ્ટાચાર એટલે ખરાબ આચરણ સામાન્ય શબ્દોમાં કહીએ તો કાયદેસર કે ગેરકાયદેસર કામ કરાવવા માટે વધારાના આપવામાં આવતા પૈસા કે વસ્તુને ભ્રષ્ટાચાર કહેવાય
દુનિયાભરમાં ભ્રષ્ટાચાર નામના અજગરે ભરડો લીધો છે, તેમાંથી કોઈ દેશ બાકાત રહ્યો નથી. ઓછા વત્તા અંશે દરેક દેશમાં ભ્રષ્ટાચારનો ફેલાવો થઈ ચૂક્યો છે. આવતીકાલે 9 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મનાવાઇ રહ્યો છે. 31 ઓક્ટોબર 2003 ના દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી એક સમજૂતી પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2005 થી સંયુક્ત રાષ્ટ્રના દેશોએ ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવવાની શરૂઆત કરી.
ભ્રષ્ટાચાર એટલે ખરાબ આચરણ. સામાન્ય શબ્દોમાં કહીએ તો કાયદેસર કે ગેરકાયદેસર કામ કરાવવા માટે વધારાના આપવામાં આવતા પૈસા કે વસ્તુને ભ્રષ્ટાચાર કહેવાય. 1963 માં રામમોહન લોહિયાએ કહ્યું હતું કે સિંહાસન + વ્યાપાર વચ્ચેનો સંબંધ ભારતમાં જેટલો દુષિત, ભ્રષ્ટ્ર અને બેઈમાન છે એટલો દુનિયામાં ક્યાંય નથી. કરચોરી, કાળાબજારી, રૂશ્વતખોરી, ખોટી જાણકારી, ભેળસેળ આ બધું યેનકેન પ્રકારે રોજિંદા વ્યાપાર કે વ્યવહારમાં ઘુસખોરી કરીને દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર નો વ્યાપ વધતો જાય છે.ભ્રષ્ટાચાર એ દુનિયાના વિકસિત દેશોની જટિલ સમસ્યા છે. ભ્રષ્ટાચાર થી દેશના આર્થિક વિકાસ પર પ્રભાવ પડે છે. ભ્રષ્ટાચાર બાબતે અમેરિકા જેવા વિકસિત દેશનો 11 મો ક્રમ છે, જ્યારે આપણા ભારત દેશનો 82 મો ક્રમ છે. આપણા દેશનો સર્વાંગી વિકાસ કરીને તેને મહાસત્તા બનાવવી હોય તો ભ્રષ્ટાચાર નાબૂદ કરવો જ રહ્યો.છેલ્લા ઘણા વર્ષોથી આપણો દેશ એક નવા ભ્રષ્ટાચારનો સામનો કરી રહ્યું છે. મોટા મોટા ગોટાળા ના રૂપમાં સામે આવેલો ભ્રષ્ટાચાર કોર્પોરેટ જગત સાથે સંકળાયેલો છે. 2 જી સ્પેક્ટ્રમ, કોલસાની ખોદાઈ અને ઘાસચારામાં થયેલા ભ્રષ્ટાચાર માં શાસનમાં બેઠેલા શાસકો કરોડો અરબો રૂપિયાનો ગોટાળો કરવામાં સફળ રહ્યા હતા. દેશના નેતાઓએ કોર્પોરેટ જગતના મોટા મોટા ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ સાથે હાથ મિલાવીને તેમજ ન્યાયપાલિકા પણ ભ્રષ્ટ હોવાને કારણે દેશની સંપત્તિને લૂંટી લીધી છે. ન્યાયપાલિકા નો ભ્રષ્ટાચાર સૌ કોઈ જાણે છે, પરંતુ બોલતું કોઈ નથી.
“શિક્ષણ” એ વિકાસની જનની છે. દેશના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. આ શિક્ષણમાં પણ ભ્રષ્ટાચાર ઘૂસી ગયું છે. એડમિશનથી લઈને માર્કશીટ અને ડિગ્રી આપવા સુધી ખોટું જ થાય છે. શાળાઓમાં ફી ઉંચી હોવા છતાં શિક્ષણ ખૂબ જ નબળું હોય છે, અને એ જ શિક્ષકો ખાનગી ટ્યુશન કરીને સારું શિક્ષણ આપે છે. પેપર ફૂટવાથી લઈને પાસ કરી દેવા સુધી ભ્રષ્ટાચાર ચાલે છે.આપણે ભગવાન પછીનું સ્થાન ડોક્ટરોને આપીએ છીએ, પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચારે પગપેસારો કરી દીધો છે. ડોક્ટર દર્દીના રોગ પ્રમાણે તપાસ કરવાના બદલે લેબોરેટરીમાં રિપોર્ટ કરવા મોકલે, દવા પણ એવી લખે કે જે અમુક મેડિકલમાં જ મળે, આમ લેબોરેટરીમાં અને મેડિકલમાં ડોક્ટરોને નક્કી કરેલું કમિશન મળે છે.
ગર્ભની તપાસ, લિંગ પરીક્ષણ, ગર્ભપાત વગેરે કાયદાની વિરુદ્ધ કરીને ભ્રષ્ટાચાર ને પોષે છે.ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો હોદો પ્રાપ્ત કરેલા પણ ભ્રષ્ટાચારના ભરડામાંથી બાકાત રહ્યા નથી. જેમણે કોઈપણ કંપની કે વ્યક્તિના નાણાકીય પત્રક પર નિર્ભિક પણે અભિપ્રાય આપવાને બદલે તેઓ નાણાકીય ગોટાળાને છુપાવે છે.કેસને કમાણી નું સાધન માનનારા વકીલો તારીખ ઉપર તારીખ નાખીને, વિરોધીઓના રહસ્યોને બતાવીને કે ખોટા દસ્તાવેજ બનાવીને ભ્રષ્ટાચારને ફેલાવે છે.વેપારીઓ પોતાના માલમાં ભેળસેળ કરીને, સરકારી ચોપડે આવક ઓછી બતાવીને કે પછી ઊંચો ભાવ લઈ ને હલકો માલ આપીને, આવા અનેક પ્રકારથી ભ્રષ્ટાચારને નોતરે છે.આ બધા તો ઠીક પરંતુ જ્યારે “રક્ષક જ ભક્ષક” બને ત્યારે કોને કહેવું ? લાંચ રૂશ્વત ખાતાના કર્મચારીઓ પણ તપાસ અર્થે ભ્રષ્ટાચાર આદરે છે ત્યારે તો હદ થઈ જાય છે.
ભ્રષ્ટાચાર વધવાનું કારણ પૈસાનો મોહ છે. અમીર લોકોને સમાજમાં પ્રતિષ્ઠા વધારવા માટે વધુ પૈસા જોઈએ છે. ગરીબ અને લાચાર વર્ગના લોકોને પોતાને મળતા સરકારી લાભ મેળવવા તેમજ અભણ લોકોને કાયદાનું ભાન ન હોવાથી તેઓ સરકારી અધિકારીઓને રૂશ્વત આપે છે.મધ્યમ વર્ગના લોકોને સમાજમાં અને વ્યવહારમાં ટકી રહેવા તેમજ મહેનત પ્રમાણે વળતર મળતું ન હોવાથી તેઓ ભ્રષ્ટાચાર ના માર્ગે વળે છે.
આ સિવાય રાજ્યસભાની સદસ્યતા ખરીદવી, મંત્રીઓ, સાંસદો અને વિધાયકોની સંપત્તિ એક બે વર્ષમાં ડબલ થઈ જવી, એટલું જ નહીં પરંતુ સંસદમાં પ્રશ્ન પૂછવાના પણ પૈસા લેવા, પૈસા લઈને વિશ્વાસના મતનું સમર્થન કરવું તેમજ ચૂંટણી સંબંધી આદર્શ આચારસંહિતાનું વારંવાર ઉલંઘન કરવું, ચૂંટણી બુથ ઉપર બોગસ મતદાન કરાવવું, ચૂંટણી પહેલા મત મેળવવા વસ્તુ અને પૈસા લોકોમાં વહેંચવા, હરીફોના બેનર ફાડવા, કાર્યકર્તાઓને ડરાવવા ધમકાવવા, જાતિવાદ પર મત માંગવા અને મત મેળવવા લોભામણા વચનો આપીને પુરા ન કરવા આ બધું ભ્રષ્ટાચાર જ કહેવાય ને !
આપણા ભારત દેશને મહાસત્તા બનતું જો કોઈ રોકતું હોય તો તે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ છે. જોકે ડિજિટલ નાણા વ્યવહારથી ભ્રષ્ટાચાર અમુક અંશે કાબુમાં આવ્યો છે ખરો ! પરંતુ, ભ્રષ્ટાચાર નિવારણ માટે લોકજાગૃતિ ખૂબ જરૂરી છે અને તેની શરૂઆત આપણા પોતાનાથી જ થવી જોઈએ. આ વાંચ્યા પછી દરેક નાગરિકે એટલો સંકલ્પ કરવો કે હું ક્યારેય લાંચ રૂશ્વત આપીશ નહીં અને લઈશ પણ નહીં. સામાન્ય નાગરિક તરીકે આપણી પહેલી ફરજ એ છે કે વીજચોરી, કરચોરી કે અન્ય કોઈપણ પ્રકારની ચોરી ન કરીને સમયસર બિલોની ભરપાઈ કરવી જોઈએ.
સરકાર દ્વારા કલ્યાણ યોજનાઓ, અનામત યોજનાઓ વગેરે લાંબા ગાળે નુકશાન થતી યોજનાઓ બંધ કરીને રોજગારીની તકો વધારવી તેમજ મોંઘવારી ઘટાડીને કર્મચારીઓનો વેતન દર વધારવો, લોકસેવા અધિકાર કાનુન, ભ્રષ્ટાચાર વિરોધી કાનુન, ભ્રષ્ટાચાર વિરોધી પોલીસ અને ન્યાયાલય, ભ્રષ્ટાચાર વિરોધી નાગરિક સંગઠન, ચૂંટણી આયોગમાં સુધારા તેમજ કડક કાનુન વ્યવસ્થા જેવી કે ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિને કડકમાં કડક સજા થાય એવી જોગવાઈ થવી જોઈએ. આ પ્રમાણે વ્યવસ્થા કરવાથી જ આપણો ભારત દેશ ભ્રષ્ટાચારની ચુંગાલમાંથી છૂટી શકશે. જય હિન્દ