મતદાન પૂર્ણ થતાંની સાથે જ ટેન્ડર પ્રસિદ્વ કરતું રાજકોટ કોર્પોરેશન
આજી ડેમ પાસે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રામવન-અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાતમ-આઠમના તહેવાર પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજકોટવાસીઓ માટે અદ્ભૂત ભેટસમા આ રામવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે રામવનમાં સહેલાણીઓની સુવિધા માટે ફૂડ કોર્ટ અને બેટરી ઓપરેટેડ કાર શરૂ કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાંની સાથે જ કોર્પોરેશન દ્વારા રામવનમાં અલગ-અલગ કામોનો કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યા છે.
રામવનમાં હાલ બાળકો માટેની ટિકિટનો દર રૂ.10 અને મોટેરાઓ માટેની ટિકિટનો દર રૂ.20 નિયત કરવામાં આવ્યો છે. જ્યારે રામવનનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે મહાપાલિકાના શાસકો દ્વારા તેવી ઘોષણા કરવામાં આવી હતી કે સમયાંતરે સહેલાણીઓ માટે સતત સગવડતાઓમાં વધારો કરવામાં આવશે. દરમિયાન રામવનમાં ટિકિટ બારીનો સંચાલન સોંપવા, સિક્યુરિટી અને ઇ-વ્હીકલ સર્વિસ, રોડ અને ઓફિસની સફાઇ, ટોયલેટ બ્લોક અને ફૂડ કોર્ટ મેનેજમેન્ટ સર્વિસનો કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યા છે. આગામી 28મી ડિસેમ્બર સુધી ટેન્ડર ઉપાડી શકાશે. પ્રદ્યુમન પાર્કની માફક રામવનમાં પણ સહેલાણીઓની સુવિધા માટે ફૂડ કોર્ટ અને બેટરી ઓપરેટેડ કાર શરૂ કરવામાં આવશે.