આવતીકાલે સવારે 8 કલાકથી તમામ 182 બેઠકો માટે એક સાથે મત ગણતરી હાથ ધરવામાં આવશે બપોર સુધીમાં ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઇ જશે: મત ગણતરી સ્થળોએ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું.
આવતીકાલે ગુરૂવારે સવારે 8 કલાકથી તમામ 182 બેઠકો માટે એકી સાથે મત ગણતરી હાથ ધરવામાં આવશે. બપોર સુધીમાં ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થઇ જશે કે ગુજરાતની ગાદીનો સરતાજ કોણ બનશે. મતદાન પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવેલા તમામ એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. જો એક્ઝિટ પોલ એક્ઝેટ સાબિત થશે તો રાજ્યમાં સાતમી વખત ભાજપની સરકાર બનશે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગત 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રની 48, કચ્છની 6 અને દક્ષિણ ગુજરાતની 35 સહિત કુલ 89 બેઠકો માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. જ્યારે બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો માટે પાંચ ડિસેમ્બરે મતદાન હાથ ધરવામાં આવ્યુ હતું. 2012ની સરખામણીએ મતદાનની ટકાવારીમાં 5.40 ટકા જેવો ઘટાડો થયો છે. સોમવારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ અલગ-અલગ એજન્સીઓ અને ન્યૂઝ ચેનલો દ્વારા જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહ્યાનું દર્શાવવામાં આવ્યું છે.
આવતીકાલે ગુરૂવારે સવારે 8 કલાકથી તમામ 182 બેઠકો પર એકી સાથે મત ગણતરી હાથ ધરવામાં આવશે. પ્રથમ 30 મીનીટ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે ત્યારબાદ ઇવીએમ મશીનમાં પડેલા મતોની ગણના શરૂ કરવામાં આવશે. બપોરે 12 કે 1 વાગ્યા આસપાસ ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઇ જશે કે ગુજરાતમાં કોની સરકાર બની રહી છે. એક્ઝિટ પોલના તારણો સાચા સાબિત થશે તો રાજ્યમાં સત્તાનું પૂનરાવર્તન નિશ્ર્ચિત છે. જો કે હાલ ગુજરાતમાં સત્તા પરિવર્તન જેવું કંઇ દેખાતુ નથી. 2023માં અલગ-અલગ રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યાર બાદ 2024માં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આવામાં ગુજરાતના પરિણામો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સત્તારૂઢ છે. સતત છ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ કમળને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. રાજ્યમાં સાતમી વખત રેકોર્ડ બ્રેક લીડ સાથે ભાજપની જીત થાય તેવા અનુમાનો જાહેર કરવામાં આવી રહ્યા છે. આવતીકાલે બપોર સુધીમાં મોટાભાગની તમામ બેઠકોના પરિણામ આવી જશે. ત્યારબાદ નવી સરકાર રચવા માટેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવશે. હાલ જ્યાં ઇવીએમ મશીન સીલ કરવામાં આવ્યા છે. ત્યાં સ્ટ્રોંગ પોલીસ બંદોબસ્ત છે. આવતીકાલે મતગણતરી વેળાએ કોઇપણ વ્યક્તિ કાઉન્ટીંગ સેન્ટર પર મોબાઇલ ફોન લઇને જઇ શકશે નહીં.
આગામી 16મી ડિસેમ્બરથી ધનારક કમુરતા બેસી રહ્યા છે ત્યારે નવી સરકાર કમુરતા પહેલા સત્તારૂઢ થઇ જશે. ગુજરાતમાં સત્તાનું પુનરાવર્તન થશે કે પરિવર્તનનો પવન ફૂંકાશે? તે વાત પરથી આવતીકાલે પડદો ઉંચકાય જશે.