ઠંડાગાર પવનોના સુસવાટા: રાજકોટનું લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી: નલીયા સિંગલ ડિજિટમાં
ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહથી શિયાળો જમાવટ કરી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું હતું. કચ્છના નલીયાનું લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી ગયુ છે. રાજકોટનું મીનીમમ તાપમાન આજે 13.6 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું. આગામી દિવસોમાં હવે સતત ઠંડીનું જોરમાં વધારો થતો રહેશે. ઠંડાગાર પવનોના સુસવાટાના કારણે જનજીવન રિતસર ઠુંઠવાય રહ્યું છે.
રાજ્યમાં શિયાળો હવે જોર પકડી રહ્યો છે. ચૂંટણીનો ગરમાવો પૂર્ણ થતાની સાથે જ હવે વાતાવરણમાં ઠંડક પ્રવર્તી રહી છે. આજે રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું હતું. ઠંડાગાર પવનોના સુસવાટાના કારણે લોકો રિતસર ધ્રુજી ઉઠ્યા હતા. જો હજી બપોરના સમયે તડકા પડી રહ્યા છે. એસી, પંખા સહિતના ઉપકરણો ચાલુ રાખવા પડે છે. આખો દિવસ ઠંડીનું જોર રહેતું નથી. આજે રાજકોટમાં લઘુત્તમ તાપમાનનો પારો અડધો ડિગ્રી સુધી નીચો પટકાયો હતો. આજે લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61 ટકા અને પવનની સરેરાશ ઝડપ 7 કિમી પ્રતિકલાક રહેવા પામી હતી. સવારે 8:30 કલાકે શહેરનું તાપમાન 17 ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. સવારના સમયે ઠંડાગાર પવનો ફૂંકાતા હતા. કચ્છના નલીયામાં પણ આજે લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં ગરકાવ થઇ ગયો હતો. નલીયાનું લઘુત્તમ તાપમાન આજે 9 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. જૂનાગઢમાં આજે ઠંડીનું જોર ઘટ્યું હતું. લઘુત્તમ તાપમાનનો પારો 19.8 ડિગ્રી સેલ્શીયસ નોંધાયો હતો. ઉત્તર ભારતના રાજ્યમાં બરફવર્ષા થયા બાદ રાજ્યભરમાં શિયાળો બરાબર જમાવટ કરશે અને ગાત્રો થીજાવતી ઠંડી પડશે.