રાજકોટની જીવાદોરી સમાન અને રાજકોટવાસીઓને સૌથી પ્રિય એવો આજી ડેમ આગામી 31મી જાન્યુઆરી સુધીમાં ડૂકી જશે. હાલ 29 ફૂટની ઊંડાઇ અને 934 એમસીએફટીની સંગ્રહશક્તિ ધરાવતા આજી ડેમમાં 653 એમસીએફટી પાણી સંગ્રહિત છે અને ડેમ 24.80 ફૂટ ભરેલો છે. દૈનિક વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા માટે આજી ડેમમાંથી 5 થી 6 એમસીએફટી પાણીનો ઉપાડ કરવામાં આવે છે.
બાષ્પીભવન અને જમીનમાં પાણી શોષાવા સહિતની ગણતરી કરવામાં આવે તો આજી ડેમ આગામી 31મી જાન્યુઆરી સુધી સાથ આપશે ત્યારબાદ દૈનિક વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવાની જરૂરિયાત ઉભી થશે. રાજકોટ શહેરનો વિસ્તાર અને વસતી સતત વધી રહી છે. જેની સામે સ્થાનિક જળાશયોમાં કોઇ જ વધારો થયો નથી.
આવામાં ચોમાસામાં સતત એકથી દોઢ માસ સુધી આજી ડેમ ઓવરફ્લો થવા છતાં વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા માટે વર્ષમાં બે વખત આજી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવા પડે છે. આ વર્ષે પણ આ સિલસિલો યથાવત રહેશે. ટૂંક સમયમાં કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ફરી ખોળો પાથરી સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવા અરજ કરવામાં આવશે.