તમામ જિલ્લા કલેકટરો સાથે કેન્દ્રીય ચૂંટણી પંચની વીડિયો કોનફરન્સ યોજાઈ, પ્રથમ તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરનાર કલેકટરો પાસેથી સૂચનો લઈને બીજા તબક્કાની ચૂંટણીના અધિકારીઓને માર્ગદર્શન અપાયું
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો અનુભવ બીજા તબક્કામા ઉપયોગમાં લેવા માટે આજે વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં તમામ જિલ્લાઓના કલેકટરોએ હાજરી આપી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠક ઉપર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં કચ્છ જિલ્લાની 6, સુરેન્દ્રનગર જિલ્લાની 5, મોરબી જિલ્લાની 3, રાજકોટ જિલ્લાની 8, જામનગર જિલ્લાની 5, દેવભૂમિ દ્વારકાની 2, પોરબંદર જિલ્લાની 2, જૂનાગઢ જિલ્લાની 5, ગીર સોમનાથ જિલ્લાની 4, અમરેલી જિલ્લાની 5, ભાવનગર જિલ્લાની 7, બોટાદ જિલ્લાની 2, નર્મદા જિલ્લાની 2, ભરૂચ જિલ્લાની 5, સુરત જિલ્લાની 16, તાપી જિલ્લાની 2, ડાંગ જિલ્લાની 1, નવસારી જિલ્લાની 4, વલસાડ જિલ્લાની 5 બેઠકનો સમાવેશ થાય છે.
હવે બીજા તબક્કામાં અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા સહિતના 14 જિલ્લાની 93 બેઠકો ઉપર આગામી 5 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા યોજાનાર છે. પ્રથમ તબક્કામાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે હવે બીજા તબક્કામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં સરળતાથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત આજે કેન્દ્રીય ચૂંટણી પંચ ની ટીમ દ્વારા વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લા કલેકટરોની ઉપસ્થિતિ રહી હતી. જે અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુ તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ખાચર સહિતના અધિકારીઓ આ વિડીયો પણ ફરજમાં જોડાયા હતા.
આ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા પ્રથમ તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે તેવા જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ પાસેથી અનુભવોની વિગતો લીધી હતી. તેઓના સૂચનો પણ મેળવ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બીજા તબક્કામાં જે જિલ્લામાં મતદાન યોજનાર છે..ત્યાંના કલેકટરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આમ પ્રથમ તબક્કાનો અનુભવ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બીજા તબક્કા માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે.