ભારતીય શેરબજારમાં અવિરત તેજીની લહેર નહી પણ એક પછી એક વાવાઝોડા ફૂંકાઇ રહ્યાં છે. સમગ્ર વિશ્ર્વમાં અત્યારે કોવિડની પરિસ્થિતિ, લોકડાઉન, ઉંચા વ્યાજદર અને ફૂગાવાના નકારાત્મક પરિબળોના કારણે મંદીની મોકાળ ચાલી રહી છે ત્યારે ભારતીય શેરબજાર સતત તેજીના ટોચમાં આગળ વધી રહી છે. વિશ્ર્વભરમાં અત્યારે અમેરિકા, બ્રિટન અને ચીનમાં અલગ-અલગ કારણે મૂડી બજારમાં મંદી પ્રવર્તી રહી છે.
પરંતુ ભારતીય શેરબજાર અને ખાસ કરીને બીએસઇ સેન્સેક્સ મંદીના આ માહોલમાં સામા પૂરે ચાલતું હોય તેવી રીતે સતતપણે તેજીનો ટોન દેખાઇ રહ્યો છે. અમેરિકામાં ડાઉજોન્સ, જાપાનની નીકી, હોંગકોંગનો હેંગસેંગ અને ચીનની મૂડી બજારમાં સાર્વત્રિક મંદીનો માહોલ પ્રવર્તી રહ્યું છે ત્યારે ભારતમાં આંશિક રીતે આવતા હંગામી આંચકા સિવાય સેન્સેક્સ લગાતાર આગળ વધતો જાય છે. દુનિયાની મૂડી બજારમાંથી આર્થિક કપરા કાળમાં રોકાણકારો પોતાના પોર્ટ ફોલીયોનું વેંચાણનું વલણ ધરાવે છે
જ્યારે ભારતીય શેરબજારમાં માત્ર ભારતના જ રોકાણકારો નહીં જ પરંતુ વિદેશી મૂડી રોકાણમાં પણ દિવસે-દિવસે વિશ્ર્વાસની બરકત દેખાઇ રહી છે. સરકારની વિચક્ષણ દૂરંદેશીભરી આર્થિક નીતી, ઔદ્યોગીક વિકાસ, કૃષિ વિકાસની સાથેસાથે આયાતનું ભારણ ઘરેલું ઉત્પાદનથી ઘટાડી નિકાસને પ્રોત્સાહન આપવાની નીતીએ ભારતની મૂડી બજારમાં વૈશ્ર્વિક વિકાસ ઉભો કર્યો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીયસ્તરે અમેરિકામાં વ્યાજદરની ઉથલપાથલ જાપાનમાં ઔદ્યોગીક મંદી, ચીનમાં કોરોના સામે ઝીરો ટોલરર્સની નીતીનો વિરોધ જેવા નકારાત્મક પરિબળોનો ભારતને લાભ થઇ રહ્યો છે. ભારતમાં વિદેશી મૂડી રોકાણદર યથાવત રહ્યો છે. ચીનના શેરોમાં રોકાણકારોનો વિશ્ર્વાસ તૂટી રહ્યો છે તેની સામે બીએસઇ ઇન્ડેક્સમાં વિદેશી રોકાણકારો મન મૂકીને રોકાણ કરે છે. વિદેશી મૂડી રોકાણનો આંક આ વર્ષે 1.3 લાખ કરોડે પહોંચ્યો છે. હજુ આર્થિક સધ્ધરતા અને સરકારમાં દૂરંદેશી અભિગમના કારણે વિદેશી રોકાણકારોએ જ નવેમ્બર મહિનામાં જ 45 હજારથી વધુ શેરોમાં રોકાણ કર્યું છે. આમ ભારતીય શેરબજારમાં વિશ્ર્વના વિશ્ર્વાસની મૂડી તેજીનું કારણ બની છે.