- ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં વિશેરાના રિપોર્ટમાં ઝેરી દવા હોવાનો તબીબોએ અભિપ્રાય આપ્યો
- મૃતક છેલ્લે કોને મળ્યા તે દિશામાં કરેલી તપાસમાં ભેદ ઉકેલવામાં મહત્વની કડી મળી: મૃતકની પત્ની સહિત પાંચની ધરપકડ
જૂનાગઢના ગાંધી ચોકમાં ગત તા.28 નવેમ્બરે બે રિક્ષા ચાલકે દારૂ સમજી ઝેર યુક્ત કેફી પીણું પીતા બંનેના મોત નીપજ્યા હતા. લઠ્ઠાકાંડની આશંકા સાથે પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. બંને મૃતકના પોસ્ટમોર્ટમ કરાવી વિસેરાની તપાસ કરાતા પોટેસિયમ સાઇનાઇડ ઝેર હોવાનો અભિપ્રાય આપ્યો હતો. બનાવ હત્યા અથવા આત્મહત્યાનો હોવાની શંકા સાથે બાતમીદારોને કામે લગાડી વિવિધ દિશામાં શરૂ કરેલી તપાસ દરમિયાન મૃતક રિક્ષા ચાલકની પત્નીના પ્રેમીએ કાવતરૂ રચી પ્રેમ સંબંધમાં આડખીલી બનતા પતિનો કાટો કાઢી નાખવા દારૂમાં ઝેર મિકસ કરી પીવડાવ્યાનું બહાર આવતા પોલીસે મૃતકની પત્ની તેના પ્રેમી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી રહસ્યના તાણાવાણા સર્જતી ઘટનાનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે.
બંને મૃતકોએ કેફી પીણું કયાંથી લાવ્યા અને ઝેર યુકત પીણું અન્ય કોઇ ન પીવે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. બંનેના મોત લઠ્ઠો પીવાના કારણે ન હોવાની જિલ્લા પોલીસ વડા દ્વારા સ્પષ્ટતા કરી બંને યુવકો એ આત્મહત્યા કરી હોય અથવા બંનેને દારૂમાં ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યાની શંકા સાથે ઉંડી તપાસ કરવા જૂનાગઢ એલસીબી અને બી ડિવિઝન પોલીસને તપાસ કરવા સુચના આપી હતી.
ગત તા.28મીએ સાંજે ગાંધી ચોકમાં રિક્ષા ચાલક રફીક હસનભાઇ ઘોઘારી અને ભરત છગનભાઇ દરજી નામના યુવકના દારૂ પીધા બાદ મોત નીપજ્યાની ઘટના અંગે પોલીસ દ્વારા કરાયેલી છાનભીનમાં મૃતક રફીક ઘોઘારીની પત્નીને આસિફ સાથે આડા સંબંધ હોવાથી બંનેના અનૈતિક સંબંધમાં રફીક ઘોઘારી આડખીલીરૂપ બનતો હોવાથી તેનો કાટો કાઢી નાખવા માટે પ્લાન બનાવી પોતાના મિત્ર ઇકબાલ શેખ અને અન્ય મિત્રોએ રફીકને ઝેરી દારૂ મિકસ કરેલો દારૂ પીવડાવવાનું કાવતરૂ ઘડયુ હતુ. ઝેરી મિકસ કરેલો દારૂ રફીક ઘોઘારીની સાથે ભરત દરજીએ પણ દારૂ પીધો હોવાથી બંનેના મોત નીપજ્યાનું બહાર આવતા જૂનાગઢ એલસીબીએ રફીકની પત્ની તેનો પ્રેમી આસિફ સહિત પાંચની ધરપકડ કરી વિશેષ પૂછપરછ માટે રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથધરી છે.