રાજકોટને વિકાસની નવી ઉંચાઇ પર લઇ જવા ભાજપના ચારેય ઉમેદવારોને તોતીંગ લીડથી જીતાડવા હાંકલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનુ મતદાન આવતીકાલ તા. 1લી ડીસેમ્બરે થવાનુ છે ત્યારે મેયર ડો. પ્રદીપભાઈ ડવ, અને ભાજપ અગ્રણી ડો. ધનસુખ ભંડેરીએ લોકશાહીના આ સૌથી મોટા પર્વમાં જોડાવા માટે રાજકોટવાસીઓને અનુરોધ કર્યો છે.તેમણે કહ્યું છે કે, આ દેશના નાગરિક તરીકે મતદાન કરવું એ આપણી ફરજ છે અને સૌ સવારના ભાગે જ મતદાન કરીને આ ફરજ નિભાવે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે ત્યારે કેન્દ્રમા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતમા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હાથ મજબૂત કરવા માટે ભાજપની તરફેણમાં વધુને વધુ મતદાન કરીને ચારેય ઉમેદવારોને ભવ્ય વિજય અપાવીએ. મેયર ડો. પ્રદીપભાઈ ડવ, ડો. ધનસુખ ભંડેરીએ કહ્યું છે કે ભારતીય જનતા પક્ષે રાજકોટ-68માં ઉદયભાઈ કાનગડ, 69-માં ડો. દર્શિતાબેન શાહ, 70માં રમેશભાઈ ટીલાળા અને રાજકોટ ગ્રામ્યમા શ્રીમતી ભાનુબેન બાબરીયાને ઉમેદવાર બનાવ્યા છે ત્યારે ચારેય ઉમેદવારો રાજકોટનો વધુ વિકાસ કરવા માટે કટિબધ્ધ છે.
તેમણે આ ચારેય ઉમેદવારો રાજકોટને વિકાસની નવી ઉંચાઈઓ તરફ લઇ જશે તેવી આશા પણ વ્યક્ત કરી છે.લોકશાહીના સૌથી મોટા પર્વમાં રાજકોટવાસીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 27 વર્ષથી ભાજપના શાસનમાં ગુજરાત અને ખાસ કરીને રાજકોટનો અકલ્પનીય અને આસમાની વિકાસ થયો છે. જો રાજકોટની વિકાસ યાત્રાને અવિરત આગળ ધપાવવી હશે તો તમામ ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારને તોતીંગ લીડથી જીતાડવા પડશે. આ માટે રાજકોટવાસીઓને ભાજપના ચારેય ઉમેદવારના સમર્થનમાં જંગી મતદાન કરવા માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા અપિલ કરવામાં આવી છે.