ઉનાના ડમાસા ગામની સીમ વાડી વિસ્તારમાં ખેડૂતે વાવેતર કરેલ ઉભા પાકમાં જંગલી ભુંડ ભારે નુકસાન કરતા હતા. જેથી ખેડૂતે ભુંડ માટે ફાંસલો ગોઠવેલ હતો, જેમાં રાત્રીના સમયે અચાનક દીપડી ફસાઇ જતાં વનવિભાગ દ્રારા મહામુસીબતે બહાર કાઢી જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ છે.
ભૂંડ માટે લગાવેલ ફાંસલામાં દીપડી ફસાઈ ડમાસા ગામની સીમ વાડી વિસ્તારમાં ખેડૂત ભગવાનભાઇ કુંભાભાઇ વંશે પોતાના ખેતરમાં કપાસ, જવાર, ઘઉં, તલના પાકનું વાવેતર કરેલ હતું. તેમાં જંગલી ભૂંડ આવી ચઢતા હોવાથી ત્રાસી ગયેલા ખેડૂતે ખેતરમાં એક ક્લજના વાયરથી ફાંસલો બનાવેલ હતો. જેમાં રાત્રીના સમયે દીપડી આવી ચઢતા અચાનક ફાંસલામાં ફસાઇ ગઈ હતી.
જેનો ભગવાનભાઇને અવાજ આવતા સ્થળ પર જઈ તપાસ કરતા દીપડી ફાંસલામાં જોઇ ગભરાઇ ગયા હતા. દીપડીને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાઈ આ અંગેની જાણ વનવિભાગને થતાં જશાધાર રાઉન્ડના આર.એફ.ઓ ભરવાડના માર્ગદર્શન હેઠળ વનવિભાગનો સ્ટાફ, વેટીનરી ડોક્ટર, ટ્રેકર સહીતની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાંસલામાં ફસાઇ ગયેલ દીપડીને બેભાન કર્યા બાદ ફાંસલામાંથી મહામુસીબતે બહાર કાઢી પાંજરામાં પુરવામાં આવી હતી અને જશાધાર એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે.
વનવિભાગ દ્રારા ખેડૂતની અટકાયત કરી અને વનવિભાગના જણાવ્યાં મુજબ આ દીપડી અંદાજે ચારથી પાંચ વર્ષની હોય તેને કોઇ ઇજા થઇ નથી અને સલામત રીતે ફાંસલામાંથી બહાર કાઢવામાં આવેલ છે. જ્યારે વનવિભાગ દ્રારા ખેડૂત ભગવાન વંશની તાત્કાલીક અટકાયત કરી હતી અને ઉના કોર્ટમાં હાજર કરી રીમાંડ માગતા કોર્ટે જામીન નામંજુરી કરતા જેલ હવાલે કરવામાં આવેલ છે.