શિયાળાનો પૌષ્ટિક ખોરાક વર્ષ ભર માટે શક્તિ અને સ્ફૂર્તિથી શરીરને કરે છે ફૂલ ચાર્જ
શિયાળાની સીઝન એટલે લીલા કાચા શાકભાજી અને અવનવા ફળોની સીઝન, બજારમાં પણ જ્યાં જોઇએ ત્યાં આખું માર્કેટ શાકભાજીથી અને રંગબેરંગી સ્વાદીષ્ટ ફળોથી ભરાયેલું હોય છે. માર્કેટમાં પ્રવેશતા જ ફળની સોડમથી મને પ્રફુલ્લિત થઇ જાય છે. લેવાની ઇચ્છા હોય કે ન હોય પરંતુ મનતો લલચાઇ જ જાય છે.
પરંતુ આ તો થઇ તમારા સ્વાદની વાત.તમે તો જાણો છો કે શાકભાજી અને ફળો ગુણોથી ભરપૂર છે. પરંતુ એ કઇ કઇ રીતે ફાયદાકારક છે. આ ફળોમાંથી આપણને શું શું ફાયદો થાય એ આજનો આપણો વિષય છે. તો તેમાંથી ક્યા ક્યા વિટામિન્સ આપણને એ અંગે જોઇશું.
શિયાળાની શીત ઋતુમાં મનુષ્યનો જઠરાગ્નિ પ્રદિપ્ત હોય છે અને આવો બળવાન જઠરાગ્નિ ગમે તેવા ભારે પદાર્થોને પચાવવા માટે સક્ષમ હોય છે. આથી જ તો આ ઋતુમાં વસાણા ખાવાનો રિવાજ પ્રચલિત છે. એવું કહેવાય છે કે, શિયાળામાં ખાધેલો પૌષ્ટિક ખોરાક વર્ષભર માટે શક્તિ, સ્ફૂર્તિ અને શરીરને આરોગ્ય પ્રદાન કરે છે. શીત ઋતુમાં ભારે પદાર્થનું સહેલાઈથી પાચન થઈ જતું હોય છે. આથી જ આ ઋતુમાં પ્રત્યેક મનુષ્યે પોતાની પાચનશક્તિનો ખ્યાલ રાખીને ઉત્તમ પોષક દ્રવ્યો બદામ પાક, સાલમ પાક, અડદ પાક, મેથી પાક વિગેરે લેવા જોઈએ. મધ્યમ વર્ગના લોકો કોપરુ, ગોળ, તલ વિગેરે ખાઈને પણ પુષ્ટિ મેળવી શકે છે. શિયાળાની ઋતુમાં વિવિધ વસાણાની સાથે સાથે જાત-જાતનાં શાકભાજી, ફળ-ફળાદિ, લાડુ અનેક જાતનાં સુપ વિગેરેની વિવિધતા પણ લઈને આવે છે.
શિયાળાની ઋતુમાં કેવો આહાર લેવો જોઈએ એ વિશે પણ આજે જાણીએ આ ઋતુમાં માનવીનો જઠરાગ્નિ પ્રબળ હોવાથી ઉત્તમ પોષણવાળો પૌષ્ટિક આહાર લેવો જોઈએ. દૂધ, દુધની બનાવટો, પનીર, વિવિધ વસાણા, ચ્યવનપ્રાશ, ધાત્રી રસાયન, ત્રિફલા રસાયન, કચરીયુ વિગેરેનો ઉપયોગ પોતાની વય, શરીરની પ્રકૃતિ, પાચન શક્તિ મુજબ પ્રમાણસર કરવો જોઈએ. આયુર્વેદમાં સ્વસ્થ રહેવા માટે રસાયન ઔષધોનો પ્રયોગ કરવા માટે કહેલું છે. રસાયન દ્રવ્યોનાં પ્રયોગથી દીર્ઘાયુષ્ય, ઘી, ધૃતિ, સ્મૃતિ, પ્રભા અને કાંતિ તથા બળની પ્રાપ્તિ થાય છે. ચ્યવનપ્રાશવલેહ એ સુપ્રસિદ્ધ રસાયન છે. આ ઉપરાંત રસાયન ચૂર્ણ પણ લઈ શકાય છે. આદુ, સૂંઠ, અશ્વગંધા, આમળાં, ત્રિફળા વિગેરેનું સેવન ફાયદાકારક છે.
જે વ્યક્તિઓને કફ, વાયુ અને શરદી રહેતા હોય તેઓને આખો દિવસ સૂંઠ નાખીને ઉકાળેલું પાણી પીવાથી ફાયદો થાય છે. સૂંઠવાળુ ઉકાળેલું પાણી શરદી, ખાંસી તથા આમદોષનો નાશ કરે છે. સૂંઠને ” કહેલ છે અને શિયાળામાં તો તે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળાની ઋતુમાં લીલા પાનવાળી ભાજીઓ જેવી કે, પાલક, તાંદળજો, મેથી-ટામેટાં, ફુલાવર, કોબીજ, પાપડી, ગાજર વગેરે શાકભાજી તથા ફળોમાં સફરજન, સંતરા, પપૈયું, આમળાં વગેરેનો ખૂબ ઉપયોગ કરવો જોઈએ. પૌષ્ટિક ખોરાક, પ્રાણાયામ, પૂરતી ઊંઘ, શીતઋતુચર્યા પાલન, વ્યાયામ, તેલ માલિશ વગેરેનું આચરણ શીતઋતુમાં કરવાથી શરીર સ્વસ્થ તેમજ એકદમ નિરોગી રહે છે, તે વાતમાં શંકાને સ્થાન નથી