અમિત શાહનો ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર
ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ અને દેશના ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઇ શાહ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યાં છે. આજે તેઓ મઘ્ય ગુજરાતમાં અલગ અલગ પાંચ શહેરોમાં ચુંટણી સભા સંબોધશે.
ભાજપે ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે કેન્દ્રીય મંત્રીઓની ટીમ મેદાનમાં ઉતારી દીધી છે. આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની, ધર્મેન્દ્ર પ્રધાન અને પુરૂષોતમભાઇ રૂપાલા પણ અલગ અલગ જગ્યાએ ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચુંટણી સભા ગજવશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આજે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના આડાનાર ગામે, દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે, ભરૂચ જિલ્લાના વાધરા ગામે, નર્મદા જિલ્લાના નાંદોદ ખાતે અને અમદાવાદમાં નરોડા વિસ્તારમાં ચુંટણી સભાઓ ગજવશે. કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા નવસારી જિલ્લાના વાસંદા ખાતે અને ચિખલી ખાતે, ડાંગ જિલ્લાના આહવા ખાતે, સુરતના વરાછા અને કતારગામ ખાતે ચુંટણી સભા સંબોધશે, સ્મૃતિ ઇરાની સુરત ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરશે કતારગામ અને વલસાડ ખાતે ચુંટણી પ્રચાર કરશે.
ધર્મેન્દ્ર પ્રધાન આણંદના નાવલી ગામે અને સુરતમાં ચુંટણી સભા સંબોધશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પણ આજે જુનાગઢમાં ચુંટણી પ્રચાર કર્યો હતો. અને સભા સંબોધી હતી.
- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો કેશોદમાં રોડ-શો, વિસાવદરમાં જાહેર સભા
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચુંટણી પ્રચાર કરશે. આજે બપોરે મુખ્યમંત્રી જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે ભાજપના ઉમેદવારના સમર્થનમાં એક જંગી જાહેરસભા સંબોધશે ત્યારબાદ તેઓ કેશોદ ખાતે એરપોર્ટથી લઇ ભાજપ કાર્યાલય સુધી વિશાળ રોડ-શો યોજાશે અને મતદારોનું અભિવાદન ઝીલશે.