કાર, રોકડ અને મોબાઇલ મળી રૂા.7.16 લાખનો મુદામાલ કબ્જે કરતી એલસીબી
રાજકોટ, લાલપુર અને ઢાંકના શખ્સો વાડીમાં ચાલતા જુગારધામમાં હાર જીતનું નસીબ અજમાવવા જતા પકડાયા
વિધાનસભાની ચૂંટણી બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત બનતા જેતલસરના શખ્સને પોતાની વાડીમાં જુગાર કલબ શરૂ કરી દીધાની બાતમીના આધારે રાજકોટ રૂરલ એલસીબીએ દરોડો પાડી રાજકોટ, લાલપુર, ઢાંક અને જેતલસરના દસ શખ્સોને રૂા.7.16 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે. એલસીબી સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી જુગાર અંગે પાડેલા દરોડાથી પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
જેતલસરના રસીક શિવાભાઇ ઠુમ્મર નામના શખ્સે પોતાની વાડીમાં જુગાર કલબ શરૂ કર્યાની બાતમીના આધારે એલસીબી પી.આઇ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઇ. બી.જી.બડવા, એચ.સી.ગોહિલ, એએસઆઇ મહેશભાઇ જાની, હેડ કોન્સ્ટેબલ નિલેષભાઇ ડાંગર, દિવ્યેશભાઇ સુવા, એજાજભાઇ ધાધલ, ધર્મેશભાઇ બાવળીયા અને પી.સી.જાડેજા સહિતના સ્ટાફે ગતમોડી રાતે જુગાર અંગે દરોડો પાડયો હતો.
જેતલસરની વાડીમાં જુગાર રમતા વાડી માલિક રસિક ઠુમ્મર, જેતલસરના રાજેશ ઉર્ફે રાજુ આંબાભાઇ ડોબરીયા, રસિક નારણભાઇ બાબરીયા, ભાવેશ બાબુભાઇ ભુવા, રાજકોટ ગોપાલનગરના જગદીશ વસંત બગડાઇ, મવડી શિવમ રેસિડેન્સીના જયેશ બાબુ ખાતરા, ગાંધીગ્રામના હરેશ ઉર્ફે હરી મનસુખ જોષી, ઉપલેટના વિપુલ વલ્લભભાઇ કટેશરીયા, લાલપુર મુકેશભાઇ ગોહેલ અને ધવલ અશોકભાઇ અરીબા નામના શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રૂા.1.14 લાખની રોકડ, રૂા.42 હજારની કિંમતના 11 મોબાઇલ, રૂા.60 હજારની કિંમતના ત્રણ બાઇક અને રૂા.5 લાખની કિંમતની બે કાર મળી રૂા.7.16 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.