રાજકોટનું લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું: આગામી 5 દિવસમાં ઠંડીનો પારો વધુ ગગડે તેવી આગાહી
રાજ્યમાં ઠંડીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુરુવારે ગિરનાર પર તાપમાન 9.6 જયારે નલિયામાં પણ તાપમાનનો પારો 11.9 રહેતા ધ્રુજી ઉઠ્યું છે. ગાંધીનગર 12.4 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 16.6 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો. તો અમદાવાદમાં 14.2 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં આગામી 3 દિવસ 14 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાનનો પારો રહેશે. જો કે અમદાવાદમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી જ ઠંડીનું જોર હજુ વધશે અને સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જાય તેવી સંભાવના છે. અન્ય શહેરોમાં વડોદરામાં 15.0, અમરેલીમાં 14.7, જુનાગઢમાં 14, ડીસામાં 14.4, રાજકોટમાં 16.6, ભાવનગરમાં 16.0, પોરબંદરમાં 16.0, સુરતમાં 17.5, ભૂજમાં 17.0,કંડલામાં 17.1 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
નવેમ્બર મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થતી હોય છે. તે શરૂઆત થઈ ગઈ છે. 30 નવેમ્બર સુધી ઠંડી જળવાઇ રહેશે. અત્યારે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે જે વહેલી સવાર અને સાંજે અનુભવાય છે. જોકે તેમણે જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં કાતિલ ઠંડીનો અહેસાસ થશે. ડિસેમ્બરથી લઈ 10 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડશે.