પ્રોફેસરના શૌચાલયના ઉપયોગ બદલ વિદ્યાર્થીનીને શૌચાલયમાં પુરી દીધી: દંડ પેટે 200 રૂપિયાની માંગણી!!
અમદાવાદમાં એક આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક પ્રોફેસરે ફક્ત વિદ્યાર્થીનીએ પ્રોફેસરના બાથરુમનો ઉપયોગ કર્યો તે બદલ વિદ્યાર્થીનીને બાથરૂમમાં પુરી દઈ દંડ પેટે જ્યાં સુધી રૂ. 200 ચુકવવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીનીને બહાર નહીં કાઢે તેવું રટણ કર્યું હતું.
એક અજાણ્યા પ્રોફેસરે સોમવારે બપોરે શહેરના પશ્ચિમ ભાગમાં આવેલી કોલેજમાં પરીક્ષા આપ્યા પછી પ્રોફેસરના શૌચાલયનો ઉપયોગ કરતી વખતે એક છોકરીને શૌચાલયની અંદર કથિત રીતે બંધ કરી દીધી હતી.
યુવતીના કાકાએ એલિસબ્રિજ પોલીસ સમક્ષ પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા અરજી કરી હતી. જેમાં જણાવાયું છે કે, યુવતી બીએ સાયકોલોજી સેમેસ્ટર 1ની વિદ્યાર્થીની છે. પરીક્ષા પછી તે વિદ્યાર્થીઓના શૌચાલયમાં ગઈ પરંતુ તેમાં ડ્રેનેજની કેટલીક સમસ્યાઓ હતી. તે પછી તે પ્રોફેસરો માટેના ટોયલેટમાં ગઈ. જ્યારે એક પ્રોફેસરને આ વાતની જાણ થઈ તો તેણે તેને ટોઈલેટની અંદર બંધ કરી દીધી અને પ્રોફેસરના ટોઈલેટનો અનધિકૃત ઉપયોગ કરવા બદલ 200 રૂપિયાના દંડની માંગણી કરી હતી. તેણે યુવતીને પરીક્ષામાં નાપાસ કરવાની ધમકી પણ આપી હતી.