- રાજકોટ દક્ષિણની સીટનાં ભાજપનાં ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં એક ડઝન કોંગ્રેસનાં હોદેદારોએ કેસરીયો ખેસ ધારણ કર્યો
- વોર્ડ નં. 8, 13, 17 અને 18ના કોંગ્રેસના હોદેદારો અને આગેવાનો તેમના 200 ટેકેદારો સાથે ભાજપમાં જોડાતા રમેશભાઈનો વિજય નિશ્ચિત
વિધાનસભાની ચુંટણીનાં મતદાનની તારીખ નજીક આવતી જાય છે ત્યારે કોંગ્રેસના અનેક મોટા આગેવાનોનો ભાજપ પ્રવેશ વણથંભ્યો ચાલુ જ છે ત્યારે રાજકોટમાં રાહુલ ગાંધીના આગમન ટાંકણે જ ગઇકાલે રાત્રે દક્ષિણ વિધાનસભા વિસ્તારનાં એક ડઝનથી વધુ કોંગ્રેસના આગેવાનો અને હોદેદારો ભાજપનાં ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
રાજકોટ દક્ષિણ (70)ના નિષ્ઠાવાન અને પ્રમાણીક ઉમેદવાર રમેશભાઈ ટીલાળાના સમર્થનમાં ગત રાત્રે દક્ષિણ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયે વોર્ડ નં. 17નાં કોંગ્રેસ અગ્રણી પરશોતમભાઈ સગપરીયા, વોર્ડ નં. 18નાં કોંગ્રેસના આગેવાન હસુભાઈ સોજીત્રા, વોર્ડ નં. 18ના શહેર કોંગ્રેસના મંત્રી ચંદુભાઈ ટીલાળા, પરેશભાઈ સભાયા, અક્ષયભાઈ મહીધરીયા, વોર્ડ નં. 18નાં કોંગ્રેસના ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ માધાણી, હંસરાજભાઈ વાછાણી, દિલિપભાઈ બુસા, નિલેશભાઈ વિરડીયા, વોર્ડ નં. 13ના પ્રતાપભાઈ રામોલીયા, ચંદુભાઈ પ્રજાપતિ, વોર્ડ નં. 16ના પાંચાભાઈ હાપાણી સહિત તેમના 200 જેટલા ટેકેદારો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે.
આ તમામ આગેવાનોને અને તેમના ટેકેદારોને 70 વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયે ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળા, ફાઈનાન્સ બોર્ડના પુર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, 70 વિધાનસભાના ઇન્ચાર્જ જીતુભાઈ કોઠારી સહિતના આગેવાનોએ બધાને કેસરી ખેસ પહેરાવી ભાજપમાં ઉમળકાભેર આવકાર્યા હતા.
આ તકે રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે યોગ્ય સમયે કોંગ્રેસી મિત્રોએ યોગ્ય નિર્ણય લીધો છે તેને હું આવકારુ છું અને હવે આપણે બધા સામુહિક રાષ્ટ્રના હિતમાં લાગી સમૃધ્ધ ગુજરાત અને ભારતને મહાન રાષ્ટ્ર બનાવીએ.
તેમણે ઉપસ્થિત આગેવાનોને અને કાર્યકરોને ખાત્રી આપી હતી કે હું હંમેશા ધરતી સાથે જોડાયેલો માણસ છું. તમારામાંથી કોઇપણ કાર્યકરોને તેમના વિસ્તારમાં જ્યારે પણ જરુર પડે ત્યારે હું તમારી સાથે ઉભો રહીશ.
રમેશભાઈ ટીલાળાની આવી ખાત્રીથી ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને જોમ અને જુસ્સો પુરો પાડ્યો હતો અને આગેવાનોએ પણ રમેશભાઈ ટીલાળા તુમ આગે બઢોના સુત્રો પોકારી વિજયનો શંખનાદ ફુંકયો હતો.