બાંગ્લાદેશ સામે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વન ડે મેચમાં 10 વિકેટથી શાનદાર જીત હાંસલ કરી છે. 279 રનના લક્ષ્યને દક્ષિણ આફ્રિકાના ઓપનર બેટસમેનોએ 42.5 ઓવરમાં હાંસલ કર્યો હતો. ઓપનર ક્વિંટન ડી કૉકએ અણનમ 168 રન અને હાશિમ અમલાએ અણનમ 110 રનની ઇનિંગ્સ રમી હતી. આ બંને બેટસમેનોએ બાંગ્લાદેશના બેટસમેનોને ચોમેર ફટકારી પોતાના નામે કેટલાક રેકોર્ડ પણ કર્યા હતા.
વિકેટ ગુમાવ્યા વગર સૌથી મોટી જીત: દક્ષિણ આફ્રિકાની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર બાંગ્લાદેશના 279 રનના લક્ષ્યને હાંસલ કર્યો હતો. જે વન ડે ક્રિકેટમાં એક રેકોર્ડ છે. વગર વિકેટ ગુમાવ્યા વગર કોઇપણ ટીમ આટલો મોટો લક્ષ્ય હાંસલ કરી શકી નથી. આ પહેલા આ સિદ્વિ ઇંગ્લેન્ડે શ્રીલંકા સામે નોંધાવી હતી. ઇંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 255 રનનો લક્ષ્ય હાંસલ કર્યો હતો.
અમલાના નામે સૌથી વધુ 26 સદી: હાશિમ અમલાએ બાંગ્લાદેશ સામે સદી ફટકારતા પોતાના વન ડે કરિયરની 26મી સદી પૂરી કરી હતી. હાશિમ અમલાએ દુનિયામાં સૌથી ઝડપથી 26મી સદી ફટકારવાની સિદ્વિ હાંસલ કરી છે. અમલાએ 154 ઇનિંગ્સમાં 26મી સદી ફટકારી છે જ્યારે વિરાટ કોહલીએ 26 સદી 166 ઇનિગ્સમાં ફટકારી હતી.
ડી કૉકએ વિરાટની બરાબરી કરી: હાશિમ અમલાએ વિરાટ કોહલીને પાછળ મૂક્યા બાદ દક્ષિણ આફ્રિકાના બેટસમેન ડી કૉકએ પણ 13મી સદી પૂરી કરીને વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી છે. કૉકએ વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 13 સદી લગાવવાના મામલામાં વિરાટ કોહલીની બરાબરી પર આવી ગયો છે. કૉક અને કોહલીએ 86 ઇનિંગ્સોમાં 13 સદી પૂરી કરી હતી. સૌથી ઝડપી 13 વન ડે સદી હાશિમ અમલાના નામે છે, તેણે 83 ઇનિંગ્સમાં આ સિદ્વિ મેળવી હતી.
દક્ષિણ આફ્રિકા તરફથી મોટી ભાગીદારી: ડી કૉક અને હાશિમ અમલાએ દક્ષિણ આફ્રિકા તરફથી 282 રનની ભાગીદારી કરીને ઇતિહાસ રચ્યો છે. આ કોઇ પણ દક્ષિણ આફ્રિકાની જોડી તરફથી વન ડે ક્રિકેટમાં સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલર અને જે પી ડૂમીનીએ 253 રનની ભાગીદારી કરી હતી. વર્લ્ડ ક્રિકેટની વાત કરીએ તો કોઇપણ ઓપનરની ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે. સૌથી મોટી ભાગીદારી શ્રીલંકા તરફથી જયસૂર્યા અને થરંગાના નામ પર છે. તેમણે 2006માં 268 રનની ભાગીદારી કરી હતી.