- કમળને મત આપશો તો તમારો મત સિધ્ધો જ મને મળશે વડાપ્રધાનના આ શબ્દોનો અર્થ શું કાઢવો
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની અસર આવતા વર્ષે યોજાનારી પાંચ રાજ્યની ચૂંટણી અને ત્યારબાદ લોકસભા-2024ની ચૂંટણી પર પણ પડશે
લોકસભાની 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં સતત ત્રીજી વખત તોતીંગ બહુમતી સાથે સત્તારૂઢ થવા માટે ભાજપ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગુજરાતમાં પરિણામમાં જરાપણ 19-20 ચાલે તેમ નથી. ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો જીતી સતત સાતમી વખત ગુજરાતની ગાદી સર કરવા ઇચ્છી રહ્યું છે. મતદાનના આડે હવે 10 દિવસનો સમય બાકી હોવા છતા માહોલ જામતો નથી. આવામાં હવે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મોરચો સંભાળી લીધો છે. ત્રણ દિવસથી ગુજરાતમાં છે. આવતીકાલે એક દિવસના વિરામ બાદ ફરી બુધ-ગુરૂવારે ફરી પીએમ ગુજરાતમાં આવશે અને મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં છ ચૂંટણી સભા ગજવશે.
ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદીને શેની ચિંતા સતાવી રહી છે તે ભાજપના નેતાઓ પણ સમજી શકતા નથી. ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા દરમિયાન તેઓએ ગૃહમંત્રી અમિતભાઇ શાહને સતત ચાર દિવસ પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં હાજર રાખ્યા હતા. જે બેઠકો પર ભાજપ માટે ચિંતા જણાતી હતી. તે બેઠકોનો હવાલો પોતાની પાસે રાખ્યો હતો. ઉમેદવારોની ફાઇનલ પસંદગી કરવા માટે પણ તેઓએ જબ્બરી કસરત કરી હતી.
ટિકિટ ફાળવણી બાદ શિસ્તબધ્ધ ગણાતા ભાજપનું ઘર ભડ-ભડ સળગી રહ્યું છે. આવામાં અનેક બેઠકો પર અસંતુષ્ઠો મેદાનમાં ઉતર્યા છે. ગુજરાત તેમા પણ ખાસ કરી સૌરાષ્ટ્રમાં ભાજપને આ વખતે નુકશાની જાય તેવું ખૂદ વડાપ્રધાન ઇચ્છતા નથી. તેઓએ સૌરાષ્ટ્રમાં વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદ એમ ચાર સ્થળે સભા યોજી હતી. આજે સુરેન્દ્રનગરમાં સભા યોજી હતી.
સૌરાષ્ટ્રની 48 બેઠકોમાંથી શક્ય તેટલી વધુ બેઠકો ભાજપને મળે તેવા પ્રયાસો તેવો કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના રાજકારણની નસેનસથી વાકેફ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે તેઓ દરેક સભામાં ગુફતેગું કરતા નજરે પડે છે. રૂપાણીને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કોઇ નુકશાની ભાજપને પાલવે તેમ નથી. આ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહે કમાન સંભાળી લીધી છે.
ભાજપ માટે ગુજરાતમાં કોઇપણ ચિંતાનો વિલય નથી. છતા પરિણામ શ્રેષ્ઠ આવે તે માટે વડાપ્રધાન અંગત રસ લઇ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતા વર્ષ યોજનારી અલગ-અલગ પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી અને ત્યાર બાદ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીના પરિણામો પર પડશે તે નિશ્ર્ચિત છે. ગુજરાતના ઉજળા પરિણામો અન્ય રાજ્યમાં ભાજપની જીતનો પાયો નાંખશે તેના માટે મોદી અને શાહની જોડી ગુજરાતને ખૂંદી રહી છે.
છેલ્લા બે-ત્રણ દિવસથી ભાજપના કાર્યકરો અને આગેવાનો સોશિયલ મીડિયા પર જે પોસ્ટ શેર કરી કર્યાં છે. તેમા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એવું કહેતા નજરે પડે છે કે કમળનું બટન જ દબાવજો તમારો દરેક મત સિધ્ધો મને જ મળશે. આ વાત પરથી પ્રસ્થાપિત થાય છે કે ઉમેદવારના મોંઢા સામે જોતા નહી. માત્ર મોદીના નામે ભાજપને મત આપજો.