અમી છાંટણાં
વીરાણી કોલેજના ગ્રાઉન્ડમાં આસોપાલવને છાંયે રોહન અને ઉર્મિની પ્રીત પાંગરી’તી જૂઇની વેલીઓની જેમજ ! સ્નેહ નીતરતી આંખોમાં આંખો પરોવી, પારિજાતનાં પુષ્પો જેવા શબ્દોની આપલે અવાર નવાર બન્ને વચ્ચે થતી. પ્રથમ નજરે જોનારને પણ એટલો અણસાર જરૂર આવતો કે સારસ પંખીની બેલડીએ જાણે મનુષ્યનું રૂપ કે ધર્યું!
એક દિવસ લાગણીવશાત રોહન ઉર્મિને પૂછી બેઠો, ‘‘ઉર્મિ, બોલ કયા શુકનિયાળ દિવસે તારી માંગ સજાવી દઉં ?’’
ઉર્મિની ખુશી એકક્ષત્રમાં જ ઓગળી ગઇ. અની અંતામાં ઝળઝળિયાં આવી ગયાં. રોહન જવાબ મેળવવાની આશાએ આતુરતા આંખમાં આંજીને ઉર્મિ સામે નિહાળી રહ્યો.
ઉર્મિ આંખો ઉપર હથેળી ઘસતાં ઘીરેથી બોલી,
‘રોહન, તને આજે આવી મસ્તી કેમ સૂઝી ?’
“આ મસ્તી નથી હકીકત છે…” રોહને ઉર્મિના ખભે હાથ
મૂકીને કહ્યું.
‘“જવા દે એ વાતને રોહન,’’
“ઉર્મિ, મારે તને એ પણ સમજાવવું પડશે કે બે યુવાન હૈયાંની પ્રીતનો અંજામ શું હોય છે ?’’
‘‘હું બધું સમજીને જ બેઠી છું.’’
‘‘તો મારા પ્રશ્નનો જવાબ કેમ નથી આપતી ?’’
ઉર્મિની આંખોમાં ફરીવાર અષાઢ બેઠો.
‘‘રોહન તારા પ્રશ્નનો જવાબ સાંભળી લે; મને બાળપણથી જ પેટ અને છાતીના ભાગ ઉપર કોઢ છે…. હવે તારો પ્રશ્ન તું જ વિચારી લે.’’
રોહન ઉર્મિ તરફ ગળગળો થઇ ને તાકી રહ્યો.
‘ઉર્મિ, કુદરત પણ આપણાં સંબંધની સંભવિત તિરાડથી વ્યાકુળ હશે એટલે આછા બદામી રંગનાં છાંટણાં એણે મારા શરીર ઉપર પણ છાંટયાં છે….”
‘રોહન…!!!
‘હા, એ છાંટણાં હવે આપણા માટે અમીછાંટણાં બની ગયાં છે ઉર્મિ, અમીછાંટણાં!!
અને ચારેય આંખોમાં ઘોડાપૂર આવ્યાં ને બન્ને ચહેરાઓ સ્મિતની ઝાકળ તળે ઢબૂરાઇ ગયા.
(નીલેશ પંડ્યા)