ફરિયાદ નિવારણ સેલની મુલાકાત લઈ સી-વીજીલની કામગીરીની સમીક્ષા કરતાં જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રા
73 ગોંડલ વિધાનસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર મિથિલેશ મિશ્રાએ જિલ્લા ફરિયાદ નિવારણ સેલની મુલાકાત લીધી હતી તેમજ સી-વીજીલ એપ દ્વારા થતી આચારસંહિતા ભંગને લગતી કામગીરીની સમીક્ષા કરી હતી.
ફરિયાદ નિવારણ સેલમાં કાર્યરત સ્ટાફે સેલની કામગીરી અંગે નિરિક્ષક મિથિલેશ મિશ્રાને જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ સેલને અત્યાર સુધીમાં આઠ વિધાનસભા વિસ્તારોમાં આચારસંહિતા ભંગને લગતી કુલ 92 જેટલી ફરિયાદો સી-વિજીલ એપના માધ્યમથી મળી હતી. જેમાંથી 10 જેટલી ફરિયાદ ખોટી નીકળતાં પડતી મુકવામાં આવી હતી. અને 3 જેટલી ફરિયાદો ડ્રોપ કરી આપવામાં આવી હતી. જ્યારે બાકીની 89 ફરિયાદોનો 100 મિનિટની અંદર જ સુખદ નિકાલ કરી દેવામાં આવ્યો છે.
ફરિયાદ સેલને ધોરાજી માંથી 07, ગોંડલ માંથી 10, જસદણ માંથી 01, જેતપુર માંથી કુલ 07, રાજકોટ પૂર્વ માંથી 12, રાજકોટ ગ્રામ્ય માંથી 14, રાજકોટ દક્ષિણ માંથી 25 તેમજ રાજકોટ પશ્ચિમ માંથી 13 જેટલી ફરિયાદો સિ-વિજીલ એપ પર મળી હતી. આ ફરિયાદોને તત્કાલ જે-તે વિસ્તારની ફ્લાઈંગ સ્ક્વોડને મોકલીને તેનું નિવારણ કરવામાં આવ્યું છે. સાથે ટોલ ફ્રી નંબર – 18002330322 પર કુલ 19 જેટલા પ્રશ્નોનું નિવારણ કરી આપવામાં આવ્યું છે.
આ તકે નિરિક્ષકઓ સાથે અધિક ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર, નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કર તેમજ અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.