અગાઉ હોદેદારો માત્ર 5 વર્ષ જ સેવા આપી શકતા હતા : નવા નિયમમાં 60 વર્ષની વય મર્યાદા યથાવત
સરકારે જાહેર ક્ષેત્રની બેંકોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ અને મેનેજિંગ ડિરેક્ટર્સ માટે મહત્તમ કાર્યકાળ વધારીને 10 વર્ષ કર્યો છે. આ પગલાથી બેંકિંગ ક્ષેત્રની શ્રેષ્ઠ પ્રતિભાને લાંબા સમય સુધી જાળવી રાખવામાં મદદ મળશે, જેઓ 45-50 વર્ષની વય જૂથમાં પૂર્ણ સમયના ડિરેક્ટર બન્યા છે. 17 નવેમ્બર, 2022ના રોજ જારી કરાયેલા નોટિફિકેશનમાં સરકારે જણાવ્યું હતું કે કાર્યકાળ અગાઉના પાંચ વર્ષથી વધારીને હવે 10 વર્ષ કરવામાં આવ્યો છે. પરંતુ, નિવૃત્તિ વય માત્ર 60 વર્ષ છે. અગાઉ,જાહેર ક્ષેત્રની બેંકોના સીઇઓ અથવા એમડી મહત્તમ પાંચ વર્ષના સમયગાળા માટે અથવા 60 વર્ષની વય સુધી, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવતા હતા.
આ જ માપદંડ જાહેર ક્ષેત્રના સાહસોના સંપૂર્ણ સમયના નિર્દેશકોને લાગુ પડતો હતો.નોટિફિકેશન મુજબ, એમડી અને સંપૂર્ણ સમયના ડિરેક્ટરે બેંકને સંપૂર્ણ સમય આપવો પડશે. ઉપરાંત, તેમનો પ્રારંભિક કાર્યકાળ પાંચ વર્ષથી વધુ ન હોવો જોઈએ. તેને લંબાવી શકાય છે, પરંતુ તે પણ પ્રારંભિક કાર્યકાળ સહિત 10 વર્ષથી વધુ ન હોવો જોઈએ. સરકાર આ માટે આરબીઆઈની સલાહ પણ લેશે.સરકારે કરેલા સુધારાને નેશનલાઈઝ્ડ બેંક્સ એમેન્ડમેન્ટ સ્કીમ-2022 નામ આપવામાં આવ્યું છે. સુધારા પછી, સરકાર પૂર્ણ સમયના ડિરેક્ટર અને એમડીને ગમે ત્યારે અકાળે છુટા કરી શકે છે. આ સમયે, તેમને ત્રણ મહિનાનો પગાર અને ભથ્થું આપવામાં આવશે.