રાજકોટ પશ્ચિમ બેઠકમાં સૌથી વધુ હરીફાઈ, 13 ઉમેદવારો વચ્ચે જામશે જંગ : ગોંડલ બેઠકમાં સૌથી ઓછા માત્ર 4 ઉમેદવાર
જિલ્લાની આઠેય બેઠકોમાં 65 ઉમેદવારો ચુટણી લડવાના છે. જેમાં રાજકોટ પશ્ચિમ બેઠકમાં સૌથી વધુ હરીફાઈ છે. અહીં 13 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. જ્યારે ગોંડલ બેઠકમાં સૌથી ઓછા માત્ર 4 ઉમેદવાર છે.
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ના પ્રથમ ચરણના મતદાન અંતર્ગત ગઈકાલે રાજકોટ જિલ્લાના ઉમેદવારો માટે ઉમેદવારી પત્રક ખેંચવાનો અંતિમ દિવસ હતો. જેમાં 68- રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 08 ઉમેદવારો, 69 – રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં કુલ 13 ઉમેદવારો, 70 – રાજકોટ દક્ષિણ વિધાનસભામાં કુલ 08 ઉમેદવારો, 71 – રાજકોટ ગ્રામ્ય (અ.જા) વિધાનસભામાં કુલ 11 ઉમેદવારો અને 72 – જસદણ વિધાનસભામાં કુલ 06 ઉમેદવારો, 73 – ગોંડલ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 04 ઉમેદવારો, 74 – જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 08 ઉમેદવારો, 75 – ધોરાજી વિધાનસભા મત વિસ્તારમાં કુલ 07 ઉમેદવારો ચુંટણીમાં ભાગ લેશે. રાજકોટ જિલ્લાની આઠ વિભાનસભા માટે કુલ જિલ્લામાં 65 ઉમેદવારો ચૂંટણી લડશે એવું અધિક જિલ્લા ચૂંટણી અધિકારી રાજકોટ દ્વારા જણાવવામાં આવ્યું છે.
- 16 ઉમેદવારોએ જંગ પૂર્વે જ મેદાન છોડ્યું
- પૂર્વમાં 4, ગ્રામ્યમાં 3-3, પશ્ચિમ-જસદણ- ધોરાજીમાં 2-2અને દક્ષિણ-ગોંડલ-જેતપુરમાં 1-1 ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચ્યું
રાજકોટ જિલ્લાની આઠ બેઠકોમાં 16 ઉમેદવારોએ જંગ પૂર્વે જ મેદાન છોડી દીધું છે. જેથી હવે જિલ્લામાં 65 ઉમેદવારો જ ચૂંટણી લડવાના છે. બેઠક વાઇઝ જોઈએ તો રાજકોટ પૂર્વમાં રાષ્ટ્રીય હિન્દ એકતા દળના પાયક એજાજ અબ્દુલભાઇ, અપક્ષ હાર્દિક રાબડીયા, અમાન ગોહેલ, રાજપરા મહેશભાઇ, પશ્ચિમ રાજકોટમાં અપક્ષ વિપુલભાઈ તેરૈયા, શર્મિલાબેન બાંભણીયા, રાજકોટ દક્ષિણમાં અપક્ષ રાકેશભાઈ સોરઠીયા, રાજકોટ ગ્રામ્યમાં અપક્ષ કૌશિકભાઈ મકવાણા, ડાંગર રમેશભાઈ લાલજીભાઈ, મકવાણા હિતેશ પ્રવીણભાઈ, જસદણમાં અપક્ષ ભરતભાઇ ભાલાળા, બસપાના દિનેશભાઇ રાઠોડ, ગોંડલમાં અપક્ષ મુકેશભાઈ માંડણકા, જેતપુરમાં અપક્ષ મહેશભાઇ કોટડીયા, ધોરાજીમાં અપક્ષ દિલીપ ફળદુ, અશોકભાઈ સોંદરવાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે.