- ચાર કંપની બીએસએફ અને 23 કંપની સીઆઇપીએફની ચૂંટણી બંદોબસ્તમાં મદદ લેવાઇ
- પાંચેય જિલ્લામાં થતી ચૂંટણી લક્ષી ફરિયાદનું ત્વરિત નિકાલ કરવામાં આવશે: રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ
વિધાનસભાની પ્રથમ તબકાની ચૂંટણી તા.1 ડિસેમ્બરે યોજનાર છે. ત્યારે રાજકોટ રેન્જ હેઠળ આવતા રાજકોટ રૂરલ, મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાં શાંતિ પુર્ણ માહોલમાં મતદાન થાય અને કોઇ અનિચ્છની બનાવ ન બને તે માટે રાજકોટ રેન્જના આઇજી અશોકકુમાર યાદવે ચૂંટણી બંદોબસ્તની સ્કીમને આખરી ઓપ આપ્યો છે. પાંચેય જિલ્લામાં 3,252 બિલ્ડીંગમાં 5427 બુથ પર મતદારો મતદાન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
પાંચેય જિલ્લામાં ચૂંટણી બંદોબસ્તને પહોચી વળવા માટે ચાર કંપની બીએસએફ અને 23 કંપની સીઆરપીએફની મદદ લેવામાં આવી છે. જિલ્લાના તમામ પ્રવેશ દ્વાર પર 100 જેટલી ચેક પોસ્ટ ઉભી કરી 361 પોલીસ સ્ટાફને રાઉન્ડ ધ કલોક વાહન ચેકીંગની કામગીરી સોપવામાં આવી છે. એસએસટીની 87 ટીમ અને એફએસટીની 76 ટીમ દ્વારા રોકડ રકમ અને દારૂની હેરાફેરી પર બાજ નજર રાખવા તહેનાત કરવામાં આવી છે.
રાજકોટ રૂરલમાં 748 બિલ્ડીંગમાં 672 બુથ, દેવભૂમિ દ્વારકાના 418 બિલ્ડીંગમાં 672 બુથ, મોરબીમાં 518 બિલ્ડીંગમાં 846 બુથ, સુરેન્દ્રનગરમાં 829 બિલ્ડીંગમાં 1366 બુથ અને જામનગરમાં 739 બિલ્ડીંગમાં 1241 બુથ પર મતદાન તા.1 ડિસેમ્બરના રોજ થશે
પાંચેય જિલ્લામાં ચૂંટણી દરમિયાન કોઇ અનિચ્છની બનાવ ન બને તે માટે કુલ 5767 પોલીસ અધિકારી અને કર્મચારીની ચૂંટણી બંદોબસ્તમાં નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત મતદારોને ખોટા પ્રલોભન આપવા, ચૂંટણી લક્ષી થતા ગુના અને સોશ્યલ મિડીયા દ્વારા થતી ઉશ્કેરણીજનક ટીપણી અંગે ત્વરીત નિકાલ કરવા માટે પોલીસની એક ટીમને તહેનાત કરવામાં આવી છે. તેમજ સોશ્યલ મિડીયા પર રેન્જ આઇજી અશોકકુમાર યાદવના સિધા માર્ગ દર્શન હેઠળ સાયબર સેલનો સ્ટાફ કાર્યવાહી કરી રહ્યો છે.