લોકોના ડેટાની સુરક્ષા કરવા સરકાર ફરી પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને રજૂ કરવાના પ્રયાસમાં
જે ડેટા લોકોનો છે તે લોકોનો જ રહે તે હિતાવહ છે. કંપની કે સંસ્થા લોકોના ડેટાના મલિક બને તો લોકોની પ્રાઇવસી જોખમમાં મુકાઈ શકે છે. બીજી તરફ છેલ્લા ઘણા સમયથી સાઇબર ફ્રોડ સામે આપણે ગોકળગતિએ ચાલી રહ્યા છીએ ત્યારે કોઈના પર્સનલ ડેટાનો બેફામ રીતે પોતાના ફાયદા માટે ઉપયોગ કરવો એ મોટી સમસ્યા બની રહી છે. જો કે હવે સરકાર આ મામલે હરકતમાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે આ બિલના કેટલાક ભાગોની સમીક્ષા કરી જેનું નામ બદલીને ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ કરવામાં આવ્યું છે. તે આગામી થોડા દિવસોમાં જાહેર પરામર્શ માટે બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે. આ બીલની જોગવાઈ મુજબ ભારતનું ડેટા પ્રોટેક્શન બોર્ડ, એક સ્વતંત્ર સંસ્થા તરીકે કામ કરવાની અપેક્ષા ધરાવે છે. તેને આવા કોઈપણ દંડની માત્રા નક્કી કરવા પર નિર્ણય લેવા માટે સત્તા આપવામાં આવશે. આ બીલમાં એવી પણ જોગવાઈ છે કે જો કોઈ કંપની કે સંસ્થા લોકોના પર્સનલ ડેટાની જાળવણી કરવામાં નિષ્ફળ જાય અથવા તો તે ડેટા શેર કરે તો તેને અધધધ રૂ. 200 કરોડનો દંડ ફટકારવામાં આવશે.
ગ્રાહકોના અંગત ડેટાનો દુરુપયોગ કરવાથી કંપનીઓને મોટો ફટકો પડશે. સરકાર કંપનીઓ પર ભારે દંડ ફટકારવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલનો ડ્રાફ્ટ જારી કરી શકે છે. સરકાર યુરોપિયન યુનિયનની તર્જ પર કાયદો લાવશે. ગ્રાહકોના અંગત ડેટાના દુરુપયોગને લઈને સરકાર ગંભીર છે, ગ્રાહકોની પરવાનગી વગર ડેટાનો ઉપયોગ કરનાર કંપનીઓને ભારે કિંમત ચૂકવવી પડશે.
સરકાર ડ્રાફ્ટ બહાર પાડશે અને તમામ પક્ષોનો અભિપ્રાય લેશે. સરકારનો ઉદ્દેશ્ય સંસદના શિયાળુ સત્રમાં ડેટા પ્રોટેક્શન બિલ લાવવાનો છે. આ પહેલા સરકારે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પાછું ખેંચી લીધું હતું.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય આઇટી મંત્રીએ સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે સરકાર આગામી થોડા દિવસોમાં ડેટા પ્રોટેક્શન બિલનો નવો ડ્રાફ્ટ રજૂ કરશે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટની ત્રીજી આવૃત્તિમાં બોલતા વૈષ્ણવે કહ્યું કે બિલ તૈયાર કરતી વખતે વિવિધ હિતધારકો પાસેથી મળેલા સૂચનોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હવે થોડા દિવસોની વાત છે જ્યારે બિલ પરામર્શ માટે અપલોડ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે સાયબર છેતરપિંડીનો પ્રાથમિક સ્ત્રોત મોબાઈલ છે. તેનાથી કેવી રીતે બચવું, સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડી કરી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું છે કે ગ્રાહકને સુરક્ષા મળવી જોઈએ અને આ સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. સરકારે ઓગસ્ટની શરૂઆતમાં પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પાછું ખેંચી લીધું હતું. આ બિલ સૌપ્રથમ 2019ના અંતમાં રજૂ કરવામાં આવ્યું હતું.