ભારત ડિજિટલ બન્યું તેના અનેક ફાયદાઓ સામે નુકશાન પણ વધ્યું: તમારૂ નામ, સરનામું, મોબાઇલ નંબર સહિતની અનેકવિધ વિગતો સેંકડો કંપનીઓ પાસે: લોકોના પ્રાઇવસીના અધિકારનું હનન
અત્યારે ભારત ડિજિટલ બન્યું છે. જેનાથી અનેક કામ સરળ થઈ ગયા છે. પણ સિક્કાની બે બાજુની જેમ બીજી બાજુએ અનેક નુકસાન પણ નોંધાયા છે. ડિજિટલ બનેલા લોકોના પર્સનલ ડેટા ખુલ્લેઆમ વેચાય છે. મોટી કંપનીઓ તે ડેટા ખરીદી પોતાના ધંધા માટે માર્કેટિંગ પણ કરે છે. જો કે પર્સનલ ડેટાના આ ગોરખધંધામાં લોકો લાચાર બન્યા છે. સોશિયલ મીડિયાનો અત્યારે વ્યાપ વધ્યો છે. આ ઉપરાંત લોકોમાં ડિજિટલ પેમેન્ટ સહિતની સુવિધાઓનો ઉપયોગ કરવાનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે તમારી સાથે જોડાયેલી માહિતી એવી ઘણી જગ્યાએ ભેગી થતી રહે છે કે તમે ગણતરી કરી શકતા નથી. ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસબુક, આધાર કાર્ડ, મતદાર આઈડી, વસ્તી ગણતરી અને તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ જેવા દસ્તાવેજોમાં એક મોટી સમાનતા છે કે તે બંને તમારા સંબંધિત ડેટા એકત્રિત કરતા રહે છે. તેઓ જાણે છે કે તમે કોણ છો, તમે કેવી રીતે જુઓ છો, તમે ક્યાં રહો છો, તમે ફોન પર કોની સાથે વાત કરો છો, તમે કેટલી કમાણી કરો છો, તમે કઈ કાર ચલાવો છો, તમે તમારા ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવ્યા છે કે નહીં.
આજે દરેક લોકોના મોબાઈલ ફોન ઉપર વિવિધ કંપનીના ફોન આવે છે. આ ફોન એટલા માટે આવે છે. પ્રથમ તો તમારો ડેટા જેને એકત્ર કર્યો હોય, તે ડેટા કોઈ કંપનીને વેચવામાં આવે છે. આ ડેટા જે કંપની ખરીદી કરે છે. તે કંપની ડેટાનો ઉપયોગ માર્કેટિંગ માટે કરે છે. જો કે આમાં પ્રાઇવસી ભંગ પણ થાય છે. હવે આગામી દિવસોમાં તો આ પ્રશ્ન વિકટ સ્વરૂપ ધારણ કરવાનો છે. ત્યારે શું સરકાર આ દિશામાં પગલાં લઈ શકશે કે કેમ તે જોવું રહ્યું.
લોન લેનારા દર 10માંથી 6 વ્યક્તિનો પર્સનલ ડેટા લીક થાય છે!!
લોન ધરાવતા લગભગ 59% ભારતીયોનો છેલ્લા પાંચ વર્ષમાં વિગતવાર ઑફર્સ સાથે કંપની દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે તેમનો ડેટા થર્ડ પાર્ટી સાથે શેર કરવામાં આવ્યો છે.નાણાકીય ક્ષેત્રે પ્રાપ્ત થયેલી સૌથી સામાન્ય ફરિયાદો પૈકીની એક એવી છે કે લોકો તેમની હાલની લોન, વીમા પોલિસી અને બેન્કિંગ વિશે વિગતવાર વૈકલ્પિક ઑફર્સ મેળવે છે. લોન મેળવનાર દર 10 ભારતીયમાંથી 6 લોકોનો પર્સનલ ડેટા કંપનીઓ વચ્ચે શેર થાય છે. આ ઉપરાંત બીજી અનેક કંપનીઓ પણ આ ડેટાના સહારે પોતાના ધંધાને જમાવવાના પ્રયાસો કરે છે.
સરકાર દ્વારા ફરી પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ રજૂ કરવાના પ્રયાસ
ડિજિટલ ઈન્ડિયાના આ યુગમાં ડેટા સુરક્ષા એક મુખ્ય મુદ્દો બની ગયો છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય આજે ડેટા સુરક્ષાને લઈને આ બિલનો ડ્રાફ્ટ રજૂ કરવા જઈ રહ્યું છે, આ બિલને લઈને 2017થી કામ ચાલી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે આ બિલના ડ્રાફ્ટને લઈને પ્રેસ કોન્ફરન્સ કરશે. એવું માનવામાં આવે છે કે બપોરે 3 વાગ્યે યોજાનારી આ પ્રેસ કોન્ફરન્સમાં આ ડ્રાફ્ટ પર વિસ્તૃત માહિતી આપવામાં આવી શકે છે. આ બિલને સંસદમાંથી ચોમાસુ સત્રમાં પાછું ખેંચી લેવામાં આવ્યું હતું, ત્યારબાદ ફરી એકવાર આ બિલનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.