મોટરસાયકલની લાઈટના પ્રકાશમાં અંજાઈ જવાના કારણે છરી, તલવાર અને ધોકાથી સામસામે હુમલો: આઠ સામે નોંધાતો ગુનો
શહેરમાં એક તરફ ચૂંટણીની તૈયારીઓમાં પોલીસ લાગેલી છે તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધૂંધળી દેખાઈ રહી હોય તેવી એક ઘટના આજીડેમ પોલીસ મથકમાં નોંધાઇ છે. જેમાં મોટરસાઇકલની લાઇટથી અંજાઈ જવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થયું હતું. જેમાં સામસામે તલવાર, છરી અને ધોકા વડે તૂટી પડતાં બંને પક્ષે ચાર લોકો ઘવાતાં તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસે ઘટનાની નોંધ કરી સામસામે બંને પક્ષે ફરિયાદ પરથી આઠ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના માધવ વાટિકા શેરી -4માં રહેતા અને ભંગારનો ડેલો ધરાવતા શૈલેષભાઇ જીવાભાઈ ચાવડા નામના 42 વર્ષના આધેડે તેની પાડોશમાં રહેતા અક્ષય બાલમુકુંદ, બાલમુકુંદ, રોશનલાલ અને હુકમિચંદ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ ગઇ કાલે રાત્રીના પોતે પોતાનું મોટરસાયકલ લઈને ઘરે આવતો હતો ત્યારે તેમના પાડોશી અક્ષય બાલમુકુંદ રોડ પર ઊભા હતા.
ત્યારે શૈલેષભાઇની બાઈકની લાઈટ અક્ષયની આંખમાં પડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ કોઈએ પોલીસમાં ફોન કરતા પી વેન આવી જતા મામલો થાળે પડ્યો હતો. ત્યાર બાદ ફરિયાદી અક્ષયને સમજાવવા જતા સામા પક્ષે અક્ષય, બાલમુકુંદ, રોશન લાલ અને હુકમિચંદ તલવાર વડે તૂટી પડતા શૈલેષભાઇ ચાવડાને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
તો સામા પક્ષે રોશનલાલ રામલાલ કુમાવત નામના 31 વર્ષના યુવાને શૈલેષ જીવા ચાવડા, મિતેષ શૈલેષ, વિજય અને હકા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ ગઇ કાલે તેમના પાડોશી અક્ષય પર શૈલેષે બાઈક ચડાવી દેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં શૈલેષ તથા તેની પુત્ર મિતેષ સબંધી વિજય અને હકા ત્યાં આવી રિક્ષામાં તોડફોડ કરવા લાગ્યા હતા. જે બાબતે ટપારતા આ ચારેય શખ્સો છરી અને તલવાર વડે તૂટી પડ્યા હતા. જે હુમલામાં ઘવાયેલા રોશન લાલ, બાલમુકુંદ અને હુકમી ચંદને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી આઠ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.