પોષણક્ષમ ભાવો મળવાના કારણે સૌરાષ્ટ્રભરના ખેડૂતો રાજકોટ તરફ વળ્યા: 1450 થી વધુ વાહનો મગફળી ભરીને આવ્યા
પોષણક્ષમ ભાવો મળવાના કારણે સૌરાષ્ટ્રભરના ખેડતુો રાજકોટ તરફ વળ્યા છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મંગળવારે મગફળીની 1 લાખ 1પ હજાર ગુણીની આવક થવા પામી છે. હાલ માલનો ભરાવો થવાના કારણે મગફળીની આવક અટકાવી દેવામાં આવી છે.
આ અંગે વધુ માહીતી આપતા રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોધરાએ જણાવ્યું હતું કે, પોષણક્ષમ ભાવો મળવાના કારણે સૌરાષ્ટ્રભરના ખેડુતો રાજકોટ યાર્ડમાં વેંચાણ અર્થે જણસી લાવી રહ્યા છે. ગઇકાલે બેડી યાર્ડ ખાતે 14500 થી વધુ વાહનો મગફળી ભરીને આવ્યા હતા. કુલ 1 લાખ 1પ હજાર ગુણી મગફળીની આવક થવા પામી હતી. દિવાળી બાદ સતત ત્રીજી વખત મગફળીની એક લાખ ગુણીની આવક થવા પામી હતી. હાલ માકેટીંગ યાર્ડમાં સારી કવોલીટીની મગફળીનો ભાવ 1200 થી 1300 રૂપિયા બોલાય રહ્યો છે. જયારે મીડીયમ ગુણવતાવાળી મગફળીનો ભાવ 1150 થી 1250 સુધી બોલાય રહ્યો છે. જયારે પ્રમાણમાં હલકી ગુણવતાવાળી મગફળીનો ભાવ 1000 થી 1150 રૂપિયા બોલાય રહ્યો છે.
મગફળીના પ્રમાણમાં કપાસની આવક ઓછી છે આજે બેડી યાર્ડ ખાતે કપાસની 13 હજાર મણની આવક થવા પામી છે. મગફળીથી યાર્ડ ઉભરાય જવાના કારણે હાલ મગફળીની આવક બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ સફેદ તલના ભાવ પણ આસમાને આંબી ગયા છે.