સુરત પોલીસ દ્વારા હજુ એક દિવસ પહેલા જ ૨ કરોડનુ ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે ફરી એક વખત સુરતમાં ક્રાઈમ બ્રાન્ચને ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે. પોલીસ દ્વારા પાંડેસરાના બમરોલી રોડ અપેક્ષા નગરના એક મકાનમાંથી MD ડ્રગ્સનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.
સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથીનો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત પોલીસને વધુ એક સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ખાનગી રાહે મળતી બાતમી મળી તે બાતમી અનુસાર પોલીસે પાંડેસરાના બમરોલી રોડ પર આવેલા અપેક્ષાનગરના પ્લોટ નંબર 530માં આવેલા મકાનના બીજા માળે રેડ કરીને મકાનમાંથી MD ડ્રગ્સનો મુદ્દામાલ શોધી કાઢ્યો હતો.
આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આરોપીનું નામ ચંદન કુમાર શર્મા છે જેના પાસેથી પોલીસે 1 કિલો 797.8 ગ્રામ MD ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત આરોપી પાસેથી 4,05,510 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા ડ્રગ્સની કિંમત 1,79,78,000 થવા પામે છે. આમ પોલીસે કુલ મળીને 1,83,93,910 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસની પ્રાથમિકમાં સામે આવ્યું છે કે, આરોપી ચંદન કુમાર શર્મા ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને કોઈ અન્ય ઈસમ ચંદનને આ ડ્રગ્સનો મુદ્દામાલ વેચવા માટે આપતો હતો. ત્યારે પોલીસે સમગ્ર મામલે ડ્રગ્સ આપનાર ઈસમને પકડવાની તજવીજ હાથ ધરી છે.