ગુજરાત વિધાનસભાની આગામી ચુઁટણી માટે સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા ગત મોડી રાતે ઉમેદવારોના નામની ચોથી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અલગ અલગ 1ર બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 178 બેઠકો માટેનામો જાહેર કરી દેવામાં આવ્યા છે. હજી ચાર બેઠકો ઉમેદવારો નકકી કરવા માટે મહામંથન ચાલી રહ્યું છે. ત્યારે ગૃહમંત્રી દ્વારા મુખ્યમંત્રીને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ચૂંટણીમાં ભાજપ જીતશે તો ભૂપેન્દ્ર પટેલ જ ફરીથી મુખ્યમંત્રી બનશે. ભુપેન્દ્ર પટેલ પહેલીવાર ઘાટલોડિયા મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા છે. તેમને એ જ બેઠક પરથી ફરીથી ઉમેદવારી કરવામાં આવી છે.
અમિત શાહે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે “જો ગુજરાતમાં ભાજપને બહુમતી મળશે તો ભૂપેન્દ્ર પટેલ આગામી મુખ્યમંત્રી હશે.” અમિતશાહના આ નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, ભુપેન્દ્ર પટેલ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે. તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને તેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. કોંગ્રેસે ચૂંટણી માટે મુખ્યમંત્રીનો ચહેરો હજુ જાહેર કર્યો નથી.