ઉમેદવારી ફોર્મની ચકાસણીની પ્રક્રિયા શરૂ ગુરૂવાર સાંજ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પ્રથમ તબકકામાં જે 89 બેઠકો માટે મતદાન થવાનું છે તેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો ગઇકાલે છેલ્લો દિવસ હતો. 89 બેઠકો માટે 1655 ફોર્મ ભરાયા છે. દરમિયાન આજથી ઉમેદવારી ફોર્મની ચકાસણીની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવારના ફોર્મ માન્ય રહેતાની સાથે જ આપો આપ ડમી ઉમેદવારોના ફોર્મ રદ થવા માંડયા છે. જો કે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અવધી ગુરુવારે બપોરે પૂર્ણ થતી હોય ગુરુવારે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચુઁટણી માટે તારીખનું એલાન ગત 3 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની પ4 અને દક્ષિણ ગુજરાતની 3પ સહિત કુલ 89 બેઠકો માટે આગામી 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજવાનું છે. પાંચ ડિસેમ્બરના રોજ જાહેરનામું પ્રસિઘ્ધ થતાની ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ ચુકયો હતો. દરમિયાન ગઇકાલે 14 નવેમ્બર ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. 89 બેઠકો માટે 1655 જેટલા ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આજથી ઉમેદવારી ફોર્મન ચકાસણીની કામગીરી શરુ કરીદેવામાં આવી છે. માન્ય રાજકીય પક્ષો દ્વારા સત્તાવાર ઉમેદવારના ફોર્મ સામાન્ય ભૂલ થાય અને તેનું ફોર્મ રદ થઇ જાય તો તે બેઠક નજીવી ભૂલના કારણે ગુમાવવી ન પડે તે માટે ડમી ઉમેદવારોને પણ ફોર્મ ભરાવવામાં આવતું હોય છે. સત્તાવાર ઉમેદવારના ફોર્મ માન્ય રહેતા આપો આપ ડમી ઉમેદવારોનું ફોર્મ રદ થઇ જાય છે.
આજે ઉઘડતી કચેરીએ ફોર્મ ચકાસણીની કામગીરી શરુ કરી દેવામા આવી છે. ભાજપ, કોંગ્રેસ, આપ, એનસીપી, બીટીપી, સપા સહીતના પક્ષોના સત્તાવાર ઉમેદવારોના ફોર્મ માન્ય રહેતાની સાથે જ ડમી ઉમેદવારોના ફોર્મ ધડાધડ કેન્સલ થવા માંડયા છે. બે દિવસ સુધી ફોર્મ ચકાસણીની કામગીરી ચાલુ રહેશે. રાજકોટ જિલ્લામાં ચુંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ ફોર્મ ચકાસણી માટે પણ રાત ઉજાગરા કરવા પડે તેવી સ્થિતિનું નિમાર્ણ થયું છે. કારણ કે રાજકોટ જિલ્લાની આઠ બેઠકો માટે 170 જેટલા ફોર્મ ભરાયા છે. આજે તંત્ર ફોર્મ ચકાસણીની કામગીરીમાં જોતરાય ગયું છે. જો ચુંટણી ફોર્મમાં રતિભાર પણ ભૂલ રહે તો ફોર્મ રદ થઇ જાય છે. ફોર્મ ચકાસણીમાં પણ ભારે ચીવટ રાખવામાં આવે છે.
ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો ગુરુવારે અંતિમ દિવસ છે. 17મી નવેમ્બરે સાંજે ખ્યાલ આવશે કે કંઇ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેનો સાચો ખ્યાલ આવશે. ડમી ઉમેદવારોના ફોર્મ રદ થઇ રહ્યા છે. અમુક બેઠકો પર રેકોર્ડ બ્રેક ફોર્મ ભરાયા હોવાના કારણે બબ્બે ઇવીએમ મુકવા પડે તેવી પણ નોબત ઉભી થવા પામી છે.
બીજા તબકકામાં 93 બેઠકો માટે પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે જેના માટે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ અવધી 17 નવેમ્બર નિર્ધારિત કરવામાં આવી છે. ભાજપ દ્વારા 18ર બેઠકો પૈકી 178 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. હજી માંજલપુર, ખેડા, ખેરાળુ અને માણસા બેઠક માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી બીજી તરફ કોંગ્રેસે 44 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. આજ અથવા મોડામાં મોડુ આવતીકાલ સુધીમાં બાકી રહેતા તમામ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવશે. ઉમેદવારો દ્વારા જોર-શોરથી પ્રચાર કાર્ય આરંભી દેવામાં આવ્યું છે. એક એક પખવાડાયા સુધી મતદારોને રીઝવવા માટે તનતોડ પ્રયાસો કરવામાં આવશે. પ્રથમ તબકકાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબકકાનું મતદાન પ ડિસેમ્બરના રોજ યોજાશે.