13 દિવસ પૂર્વે જ વડાપ્રધાન મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન: એટીએસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
એક મોટી દુર્ઘટના ટળી હોવાના સમાચાર મળી રહ્યા છે. હજુ 13 દિવસ પહેલાં શરૂ થયેલી ઉદયપુર-અમદાવાદ રેલવે લાઇન પરના પુલ પર શનિવારે મોડી રાત્રે અજાણ્યા લોકોએ બ્લાસ્ટ કર્યો હતો. બદમાશોએ પુલને ઉડાવી દેવાનું અને બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેકને તોડી પાડવાનું કાવતરું ઘડ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરે જ આ લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું.
રેલવે લાઈન પર ધડાકાની ઘટના બનતા જ સ્થાનિકોએ જાગૃતતા બતાવી હતી. સૌથી પહેલા તો સ્થાનિક લોકોએ અહીં જોરદાર ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. ઘટના સ્થળેથી દારૂગોળો પણ મળી આવ્યો છે. બ્લાસ્ટના કારણે પાટા પર તિરાડો પડી ગઈ છે. બ્લાસ્ટના લગભગ 4 કલાક પહેલાં ટ્રેન પાટા પરથી પસાર થઈ ગઈ હતી. આ ઘટના બાદ અમદાવાદથી ઉદેપુર જતી ટ્રેનને ડુંગરપુર સુધી જ અટકાવી દેવામાં આવી છે. બ્લાસ્ટ સ્થળ ઉદયપુરથી લગભગ 35 કિમી દૂર છે.
સમગ્ર મામલામાં જિલ્લા કલેક્ટર તારાચંદ મીણાએ કહ્યું છે કે, ડિટોનેટર વડે પુલને ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોલીસ મહાનિર્દેશક ઉમેશ મિશ્રાને પણ વિગતવાર તપાસ માટે સૂચના આપી છે.
રાજસ્થાન પોલીસની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એટીએસ આતંકવાદી ષડ્યંત્રના એંગલથી તપાસ કરી રહી છે. ઉદયપુરના એસપી વિકાસ શર્માએ કહ્યું કે શરૂઆતમાં એવું લાગે છે કે સંપૂર્ણ પ્લાનિંગ બાદ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. ડિટોનેટર સુપર 90 શ્રેણીનું છે. બોમ્બ સ્કવોડ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્ર કર્યા હતા.
સ્થાનિક ગ્રામજનોની સતર્કતાને કારણે આ નવા માર્ગ પર મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના ઉદયપુરથી લગભગ 35 કિમી દૂર બની હતી. આ ઘટના ઉદયપુર-સલુમ્બર રોડ પર કેવડાનાં નાળા નજીક ઓડા રેલવે પુલ પર બની હતી.જ્યાં શનિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ગામલોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. આ પછી કેટલાક યુવકો તુરંત ટ્રેક પર પહોંચ્યા અને ત્યાંની સ્થિતિ જોઈને હેરાન થઈ ગયા હતા.તેમણે જોયું કે રેલવે લાઈન પર દારૂગોળો પડ્યો હતો. લોખંડના પાટા અનેક જગ્યાએથી તૂટી ગયા હતા. ટ્રેક પર પાટામાં નટ-બોલ્ટ પણ નહોતા. ગ્રામજનોએ આપેલી માહિતી બાદ ટ્રેક પર ટ્રેનની અવર-જવરને એટકાવી દેવામાં આવી હતી.
રેલવે તંત્રએ આ ટ્રેક પર ચાલતી ટ્રેનોને અટકાવી દીધી છે. રેલવે તંત્ર દ્વારા ટ્રેકનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જો કે ટ્રેનની અવર-જવર ક્યારે શરૂ થશે તે બાબતે રેલવેના અધિકારીઓએ કંઈ જણાવ્યું નથી.ઉદયપુર રેલવે એરિયા મેનેજર બદ્રી પ્રસાદે જણાવ્યું કે, ઉદયપુર-અમદાવાદ લાઇન પર બંને ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. વહેલી તકે લાઇનનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ષડ્યંત્ર પાછળ કોનો હાથ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.