કોર્ટે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયના સચિવને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે ટોચની અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમદ્વારા મોકલવામાં આવેલા નામો પર નિર્ણય ન લેવા બદલ કેન્દ્ર સરકાર સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે શુક્રવારે કહ્યું કે જજોની નિમણુંકમાં વીલંબ અસ્વીકાર્ય છે.
ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને અભય એસ ઓકાની બેન્ચે કહ્યું કે, “નામો પર નિર્ણય ન લેવો એ લોકોને તેમની સંમતિ પાછી ખેંચવાની ફરજ પાડવાનો એક માર્ગ બની રહ્યો છે જેમના નામની ઉચ્ચ ન્યાયતંત્રમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે.” બિનજરૂરી રીતે નામો પેન્ડિંગ રાખવા સ્વીકાર્ય નથી. બેન્ચે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયના સચિવ (ન્યાય)ને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.એડવોકેટ એસોસિએશન, બેંગલુરુ દ્વારા એડવોકેટ પાઈ અમિત દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ઉચ્ચ અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂકમાં અસાધારણ વિલંબનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
તેમાં 11 નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની ભલામણ કરવામાં આવી હતી અને બાદમાં આ નામો ફરીથી મોકલવામાં આવ્યા છે. “જો આપણે વિચારણા માટે પડતર કેસોની સ્થિતિ જોઈએ તો, સરકાર પાસે આવા 11 કેસ પેન્ડિંગ છે જેને કોલેજિયમ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને હજુ પણ તેમની નિમણૂકની રાહ જોઈ રહ્યા છે,” બેન્ચે જણાવ્યું હતું.
બેન્ચે જણાવ્યું હતું કે કોલેજિયમ દ્વારા ફરીથી મોકલવામાં આવેલા નામો સહિત ભલામણ કરાયેલા નામોને ક્લીયર કરવામાં વિલંબને કારણે કેટલાક લોકોએ તેમની સંમતિ પાછી ખેંચી લીધી છે અને ન્યાયિક તંત્રએ એક પ્રતિષ્ઠિત વ્યક્તિને બેન્ચમાં સામેલ કરવાની તક ગુમાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું, અમને જણાયું છે કે નામો રોકવાની પદ્ધતિ આ લોકોને તેમના નામ પાછા ખેંચવા માટે મજબૂર કરવાની એક પદ્ધતિ બની ગઈ છે, જે બન્યું છે.