ભાજપે કુંવરજી બાવળીયા અને કોંગ્રેસે ભોળા ગોહિલને ટીકીટ આપતા નારાજ નેતાઓએ મેદાને ઉતરવાની તૈયારીઓ આદરી
સૌરાષ્ટ્રમાં અલગ જ તાસીર ધરાવતી જસદણ વિધાનસભા બેઠક ઉપર વિધાનસભાનો ખરાખરીનો જંગ જામવાનો છે. કારણકે આ બેઠક ઉપર પૂર્વ ધારાસભ્ય ભીખા બાંભણીયા અને ધીરુ રામાણીએ ફોર્મ ઉપાડતા રાજકીય ગરમાવો જામ્યો છે.
જસદણ બેઠકની સામાન્ય ચૂંટણી માટે વધુ 6 ઉમેદવારી ફોર્મ ઉપડતા કુલ 46 ફોર્મ ઉપડ્યા હતા. જેને લઈને જસદણ બેઠકના રાજકરણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ગઇકાલે જસદણ બેઠકના કોંગ્રેસ પક્ષના ભોળાભાઈ ભીખાભાઈ ગોહિલ દ્વારા 2 ફોર્મ, અપક્ષ ઉમેદવાર તરીકે દેવરાજભાઈ મશરૂભાઈ મકવાણા, બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે દિનેશભાઈ ખીમજીભાઈ રાઠોડ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે તેજસભાઈ ભીખાભાઈ ગાજીપરાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર રાજેશ જી. આલ સમક્ષ રજૂ કર્યું હતું. જોકે સોમવારે ભાજપ પક્ષના ઉમેદવાર કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા સહિતના ઉમેદવારો દ્વારા પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.જસદણની સામાન્ય ચૂંટણી માટે ભાજપ પક્ષમાંથી કોળી સમાજના કુંવરજીભાઈ બાવળીયા, રમાબેન મકવાણા, વલ્લભભાઈ ઝાપડીયા, નાથાભાઈ વાસાણી અને જેન્તીભાઈ સરવૈયાએ તેમજ પાટીદાર સમાજમાંથી ગજેન્દ્રભાઈ રામાણી અને કમળાપુર સરપંચ ધીરૂભાઈ રામાણીએ દાવેદારી નોંધાવી હતી. જોકે ભાજપ પક્ષે કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયાની ફરી પસંદગી કરતા અન્ય દાવેદારોમાં ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. જસદણ બેઠક સૌરાષ્ટ્રમાં સૌથી અલગ તરી આવે એવી છે.
આ બેઠક ઉપર કોળી સમાજનું વર્ચસ્વ છે. આ બેઠક ઉપર કુંવરજીભાઇ બાવળિયા કોંગ્રેસમાંથી પણ ચૂંટાયા હતા અને ભાજપમાંથી પણ ચૂંટાયા હતા. આ બેઠકમાં અગાઉ ભરતભાઈ બોધરાનું પણ નામ ચર્ચાયું હતું. પણ કોળી સમાજનું વર્ચસ્વ આ બેઠક ઉપર વધુ હોય, ભાજપે જોખમ લેવાનું ટાળ્યું હતું. બીજી તરફ નારાજ પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયા અને ધીરુભાઈ રામાણીએ ઉમેદવારી ફોર્મ ઉપાડી જંગના ઉતરવાની તૈયારીઓ શરૂ કરી હોય, રાજકારણમાં ગરમાવો ફેલાયો છે.
આયારામ ગયારામમાં જસદણનો “આપ” ઉમેદવાર તેજસ ગાજીપરા લટક્યો?
ચૂંટણી લડવા એક નેતાએ દોઢ કરોડની ઓફર કરી હતી, હવે પક્ષ પલ્ટો કરી હાથ ઉંચા કરી દેતા રૂપીયાની ભારે તંગી
અબતક, રાજકોટ
આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ ફાળવણી અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ આયારામ ગયારામની સિઝન શરૂ થઇ છે. અગાઉ મોટી-મોટી લાલચ આપી ‘આપ’ના કહેવાતા સીએમ પદના ઉમેદવારે આપની ટિકિટ આપનારને લડી લેવા હૈયાધારણ આપી હતી અને ખર્ચ માટે પોતે પૈસાની કોથળી ખૂલ્લી મૂકી દેશે તેવો હોંકારો કર્યો હતો પરંતુ હવે પોતે જ આપનો સાથ છોડી દીધો હોય જસદણ વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર માટે સલવાયા છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ જસદણના આપના ઉમેદવાર તેજસભાઇ ગાજીપરાને અગાઉ આપના એક મોટા નેતાએ ચૂંટણી લડવા માટે દોઢ કરોડ રૂપિયા આપવાની ખાતરી આપી હતી. આ ખાતરી બાદ તેઓ આપના ઉમેદવાર બનવા તૈયાર થઇ ગયા હતા. તેઓએ ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. દરમિયાન જે નેતાએ તેજસભાઇને દોઢ કરોડ રૂપિયા આપવાની ખાતરી આપી હતી તેને જ આપનું ઝાડુ છોડી દીધું છે. આવામાં હવે જસદણ, વિંછીયા બેઠકના આપના ઉમેદવાર તેજસ ગાજીપરા માટે ન કહેવાય ન સહેવાય જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. ઉમેદવારે ફોર્મ તો ભરી દીધું પરંતુ હવે ચુંટણી ખર્ચ કેમ ઉઠાવવો તેની ચિંતા સતાવવા લાગી છે.
આપના નેતાઓએ કાર્યકરોને મોટી મોટી લાલચ આપવા ખુબ જ મોટી સંખ્યામાં યુવાનો અને અન્ય રાજકીય પાર્ટીના આગેવાનો આપમાં જોડાયા હતા. હવે સી.એમ. પદના ઉમેદવારનું નામ જાહેર કરાયા બાદ આપનું ઘર ખાલી થવા માંડયું છે. ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા મજબૂત લાગતી આમ આદમી પાર્ટી ચુંટણી જાહેર થયા બાદ સતત તુટી રહી છે.