કોંગ્રેસે વધુ સાત બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા: રાજકોટ પશ્ર્ચિમ માટે હજુ ગડમથલ
કોંગ્રેસ દ્વારા ગઇકાલે મોડી સાંજે ઉમેદવારોના નામની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં અલગ-અલગ સાત બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા છે. ત્રણ યાદીમાં કોંગ્રેસે અત્યાર સુધીમાં 95 ઉમેદવારોના નામ ઘોષિત કરી દીધાં છે. સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવા છતાં હજુ સુધી રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા નથી. અહીં બે નેતાઓ વચ્ચે ટક્કર ચાલી રહી છે. મનસુખ કાલરિયા અથવા ગોપાલ અનડકટને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા ગઇકાલે સાંજે ઉમેદવારોના નામની ત્રીજી યાદી જાહેર કરી હતી. જેમાં સાત બેઠકો માટે ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. રાપર બેઠક પરથી બચુભાઇ અરેઢીયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠક પર તરૂણ ગઢવીને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું નામ જાહેર કરાયું છે. જ્યારે ધારી બેઠક પરથી ડો.કિરીટ બોરીસાગરને ટિકિટ અપાઇ છે. એસ.ટી. કેટેગરી માટે અનામત બેઠક એવી નાડોદ સીટ પરથી હરેશ વસાવાને જ્યારે નવસારી બેઠક પરથી દિપક બારોટને ટિકિટ આપી છે.
ગણદેવી બેઠક માટે અગાઉ કોંગ્રેસ દ્વારા શંકરભાઇ પટેલનું નામ જાહેર કર્યું હતું. પરંતુ ઉમેદવારોની ત્રીજી યાદીમાં આ બેઠક માટે ઉમેદવાર બદલવાની ફરજ પડી છે. હવે એસ.ટી. કેટેગરી માટે અનામત એવી ગણદેવી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે શંકરભાઇ પટેલ નહી પરંતુ અશોકભાઇ લાલુભાઇ પટેલ ચૂંટણી લડશે.
કોંગ્રેસ દ્વારા ગત ચોથી નવેમ્બરે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 43 બેઠકો માટે નામ જાહેર કરાયા હતા.
જ્યારે ગુરૂવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવેલી યાદીમાં 46 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગઇકાલે સાંજે જાહેર કરાયેલી ત્રીજી યાદીમાં અલગ-અલગ સાત બેઠકો માટે ઉમેદવાર ઘોષિત કરાયા છે. જેમાં એક બેઠક માટે ઉમેદવાર બદલવાની ફરજ પડી છે. પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી અવધિ સોમવારે પૂરી થઇ રહી છે. છતાં અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા અમૂક બેઠકો માટે ઉમેદવારોના નામ ઘોષિત કરવામાં આવ્યા નથી. 182 બેઠકો પૈકી 95 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારો ઘોષિત કર્યા છે. જ્યારે સામા પક્ષે ભાજપે 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે.