પાંચ ડિસેમ્બરે બીજા તબક્કામાં ઉત્તર ગુજરાતની 32 અને મધ્ય ગુજરાતની 61 બેઠકો માટે થશે મતદાન
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે અલગ-અલગ બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. રાજ્યની 89 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 1લી ડિસેમ્બરના રોજ જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. દરમિયાન બીજા તબક્કાના મતદાન માટે આજે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્વ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ ચુક્યો છે. ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. બીજા તબક્કાના મતદાન માટે આગામી 17મી નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે.
પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 સહિત કુલ 89 બેઠકો માટે મતદાન થવાનું છે. જેનું જાહેરનામું ગત 5 નવેમ્બરના રોજ પ્રસિદ્વ થયું ગયું છે. ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ ચાર દિવસમાં ગઇકાલ બપોર સુધીમાં રાજ્યભર માત્ર 12 ફોર્મ ભરાયા હતા. દરમિયાન બીજા તબક્કા મતદાનમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. જેના માટે આજે જાહેરનામું પ્રસિદ્વ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ચૂંટણી લડવા ઇચ્છુકો 17મી નવેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે. 18મી નવેમ્બરે ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે અને 21મી નવેમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે અને તમામ 182 બેઠકો માટે 8 ડિસેમ્બરે એકસાથે મતગણતરી હાથ ધરવામાં આવશે.
બીજા તબક્કાના મતદાનમાં બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠક, પાટણ જિલ્લાની 4 બેઠકો, મહેસાણા જિલ્લાની સાત બેઠકો, સાબરકાંઠા જિલ્લાની ચાર બેઠક, અરવલ્લી જિલ્લાની ત્રણ બેઠકો, ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો, અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો, આણંદ જિલ્લાની સાત બેઠકો, ખેડા જિલ્લાની 6 બેઠકો, મહિસાગર જિલ્લાની ત્રણ બેઠકો, પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકો, દાહોદ જિલ્લાની 6 બેઠકો, વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો, છોટા ઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકો માટે મતદાન થશે.