સરપ્રાઇઝ…. સરપ્રાઇઝ …
- રાજકોટ પૂર્વમાં ઉદયભાઇ કાનગડ, રાજકોટ પશ્ર્ચિમમાં ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ દક્ષિણમાં રમેશભાઇ ટીલાળા અને રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરિયાને કમળનું મેન્ડેટ
- રાજકોટ શહેરની ચાર પૈકી બે બેઠકો પર ભાજપે મહિલાઓને ટિકિટ આપી: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે રાજ્ય સરકારના વર્તમાન મંત્રી અરવિંદભાઇ રૈયાણીની પણ ટિકિટ કપાઇ
રાજકોટ શહેરમાં કોઇપણ પ્રકારનું રાજકીય જોખમ ઉઠાવવામાં ભાજપ ક્યારેય પાછીપાની કરતું નથી. મહાપાલિકાની ગત ચૂંટણીમાં પણ ભાજપે માત્ર 12 સિટીંગ કોર્પોરેટરોને ટિકિટ આપી હતી. છતાં રાજકોટમાં કમળનો ઐતિહાસિક વિજય થયો હતો. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ખાસ કરીને રાજકોટ શહેરની ચાર બેઠકો પર ભાજપે મોટું સરપ્રાઇઝ આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્ય સરકારના વર્તમાન મંત્રી અરવિંદભાઇ રૈયાણી સહિત ચારેય સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી નાંખી છે અને તેઓના સ્થાને નવા ચહેરાઓને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. બીજી તરફ જિલ્લાની ચાર પૈકી જે ત્રણ બેઠકો ભાજપ પાસે છે ત્યાં ત્રણેય ધારાસભ્યોને ફરી ટિકિટ આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લી ઘડીએ એવી તાકીદ કરી હતી કે જિલ્લામાં એક બેઠક પર મહિલા ઉમેદવાર અને મહાનગરોમાં બે બેઠકો પર મહિલા ઉમેદવારોને ટિકિટ આપવી આ આદેશની અમલવારી રાજકોટ શહેરથી કરવામાં આવી છે. કારણ કે વર્ષોથી રાજકોટએ ભાજપ માટે અડીખમ ગઢ સાબિત થયું છે. અહિં કોઇપણ પ્રકારના આશ્ર્ચયજનક નિર્ણયો લેવામાં આવે તો પણ ભાજપ માટે તે આંચકારૂપ સાબિત થયો નથી. રાજકોટની ચાર પૈકી કોઇ એક બેઠક પર ભાજપ મહિલા ઉમેદવારને ટિકિટ આપશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. દરમિયાન હાઇકમાન્ડે રાજકોટની એક નહીં પરંતુ બે બેઠકો પર મહિલાઓને ટિકિટ આપી છે. વર્ષોથી ભાજપની સીટ મનાતી એવી 69-રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સ્થાને રાજકોટ મહાનગર પાલિકાના વર્તમાન ડે.મેયર અને જૈન સમાજના અગ્રણી એવા ડો.દર્શિતાબેન શાહને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અનુસૂચિત જાતિ માટે અનામત એવી 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ફરી એકવાર ભાજપે પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે અને તેઓના નામની ઘોષણા કરવામાં આવી છે.
68-રાજકોટ પૂર્વ બેઠક પર રાજ્ય સરકારના વર્તમાન મંત્રી અરવિંદભાઇ રૈયાણીની ટિકિટ પણ કાપી નાંખવામાં આવી છે. તેઓના સ્થાને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને રાજકોટના પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડને ભાજપે ટિકિટ આપી છે. જ્યારે 70-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી છેલ્લી ત્રણ ટર્મથી કમળના પ્રતિક પરથી ચૂંટણી લડી વિજેતા બનતા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલની ટિકિટ પર પણ કાતર ફેરવી દેવામાં આવી છે. તેઓના સ્થાને આ બેઠક પરથી શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અને ખોડલધામના ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઇ ટીલાળાને ટિકિટ આપવામાં આવી છે. એક તરફ ભાજપ દ્વારા રાજકોટ શહેરની ચારેય બેઠકો માટે નો-રિપીટ થિયરી અપનાવવામાં આવી છે અને ચારેય નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તો બીજી તરફ જિલ્લાની ચાર પૈકી જે ત્રણ બેઠકો પર ભાજપના ધારાસભ્યો છે તે ત્રણેય બેઠકો પર વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં જેતપુર-જામકંડોરણા બેઠક પર પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડિયા, જસદણ-વિંછીયા બેઠક પરથી પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને ગોંડલ વિધાનસભા બેઠક પરથી સિટીંગ એમ.એલ.એ. ગીતાબા જયરાજસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ શહેર માટે પક્ષ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે કાર્યકરો માટે પણ આશ્ર્ચર્યજનક છે.
રાજકોટ જિલ્લાની જેતપુર બેઠક
પરથી પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા, જસદણ બેઠક પરથી પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાને ફરી ટિકિટ
રાજકોટમાં ભાજપે પાટીદાર, સવર્ણ, ઓબીસી અને દલિત સમાજને સાચવી લીધો!
રાજકોટ શહેરની ચારેય બેઠકો માટે ભાજપ દ્વારા નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કાર્યકરો અને મતદારો માટે ભલે આ મોટી સરપ્રાઇઝ હોય પરંતુ ભાજપે જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટની ફાળવણી કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શહેરની ચારેય બેઠકો પર પાટીદાર, સવર્ણ, ઓબીસી અને દલિત સમાજને સાચવી લેવામાં આવ્યા છે. રાજકોટ પૂર્વ બેઠક પરથી ઓબીસી સમાજના કદાવર નેતા ઉદયભાઇ કાનગડને ટિકિટ આપી ઓબીસી સમાજને સાચવી લેવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ પશ્ર્ચિમ બેઠક પર વિજયભાઇ રૂપાણીના સ્થાને ડે.મેયર ડો.દર્શિતાબેન શાહને ટિકિટ આપી ઉજળીયાત વર્ગ સાચવી લીધો છે. જ્યારે રાજકોટ દક્ષિણ બેઠક પરથી
ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઇ ટીલાળાને ટિકિટ આપી પાટીદાર સમાજને સાચવી લેવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ ગ્રામ્યની બેઠક વર્ષોથી અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત હોય અહી પણ પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે ભલે રાજકોટમાં એકપણ સિટીંગ ધારાસભ્યને રિપીટ ન કર્યા હોય પરંતુ જે રીતે ચારેય નવા ચહેરાને ટિકિટ આપી છે તે મતદારોમાં ખૂબ જ જાણીતા છે અને સમાજમાં પણ સારી એવી નામના ધરાવે છે.
- સૌરાષ્ટ્રના ત્રણ મંત્રી અરવિંદ રૈયાણી, બ્રિજેશ મેરજા અને આર.સી.મકવાણાની ટિકિટ કપાઇ
- જીતુભાઇ વાઘાણી, રાઘવજીભાઇ પટેલ, કિરીટસિંહ રાણા, દેવાભાઇ માલમ પર ફરી ભાજપે વિશ્ર્વાસ દર્શાવ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારમાં સૌરાષ્ટ્રમાં જે મંત્રીઓ જવાબદારી નિભાવતા હતા તે પૈકી ત્રણ મંત્રીઓની ટિકિટ પર કાતર ફેરવી દેવામાં આવી છે. અરવિંદ રૈયાણી, બ્રિજેશ મેરજા અને આર.સી. મકવાણાને ફરી ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે જીતુભાઇ વાઘાણી, રાઘવજીભાઇ પટેલ, કિરીટસિંહ રાણા અને દેવાભાઇ માલમને ફરી ટિકિટ આપવામાં આવી છે. રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, રાઘવજીભાઇ પટેલ, કિરીટસિંહ રાણા, દેવાભાઇ માલમ અને
વિનોદભાઇ મોરડીયાને ફરી ટિકિટ આપવામાં આવી છે. તેઓ પટેલ સરકારમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. દરમિયાન ગત 30મી ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની જે ઘટના બની જેમાં 136 લોકોના મોત નિપજ્યાની ઘટના બાદ મંત્રી બ્રિજેશ મેરજા સામે ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી. જેના કારણે તેઓની ટિકિટ કાપી નાંખવામાં આવી છે અને મોરબી બેઠક પરથી ફરી એકવાર ભાજપે કાંતિ અમૃતિયાને ટિકિટ આપી છે. મહુવા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી આર.સી. મકવાણાની ટિકિટ પણ કાપી નાંખવામાં આવી છે. તેઓના સ્થાને શિવાભાઇ ગોહિલને ટિકિટ મળી છે.
- બે વર્તમાન કોર્પોરેટરો હવે ભાવિ ધારાસભ્યો
ભાજપે આજે રાજકોટ શહેરની ચાર વિધાનસભા બેઠક માટે જે ઉમેદવારોના નામો જાહેર કર્યા છે તેમાં રાજકોટ મહાનગર પાલિકાના બે વર્તમાન કોર્પોરેટરોને ટિકિટ આપવામાં આવી છે. આ બંને મહિલાઓ છે. જે હવે એક મહિનામાં પ્રજા સમક્ષ ભાવિ ધારાસભ્ય બનીને આવશે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સિટ એવી રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી ડે.મેયર ડો.દર્શિતાબેન શાહને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી પાંચ વર્ષ બાદ ફરી એક વખત ભાનુબેન બાબરિયા પર ભાજપે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે અને ટિકિટ આપી છે.