અબળા
મનાલી, આજે તને બહાનું બતાવ્યા વગર સાચી વાત કરી દઉં કે મારા મમ્મી- પપ્પાની હયાતિમાં હું તારી માંગ સજાવી શકું એમ નથી……’’ મેહુલ ગળગળો થઇ બોલ્યો
‘તો શું આપણે તારા મમ્મી- પપ્પાના મૃત્યુની રાહ જોઇને બેસી રહેવાનું ? મેહુલ, વહેતું પાણી કાળમીંઢ ખડકને પણ ઘસી નાખે છે એ તને ખબર નથી ?’·
“મને ખબર છે મનાલી, બધી જ ખબર છે પણ…,,‘પણ શું? પ્રીતના વહેણમાં આડે આવનારની હાલત પેલા ખડક જેવી થવી જોઇએ…’’ મનાલી આવેશમાં આવીને બોલી.
મનાલી, કાલે સવારે નવ વાગે તું શારદાબાગમાં મારી રાહ જોજે… હું ત્યાં આવીશ…” કહીને મેહુલ અને મનાલી જુદાં પડયાં. બીજે દિવસે નવને ટકોરે મેહુલ દોડતો આવ્યો, ‘‘મનાલી, લે આ લોહી નિતરતી છરી, ચાલ, મેં મારા મમ્મી પપ્પાનું ખૂન કર્યું છે.. . જલદી ચાલ મનાલી, પોલીસને જાણ થઇ ગઇ છે’’ કહીને છરી મનાલીના ચરણે ધરી.
‘“મેહુલ, હું તારી સાથે ભાગું તો તો હું પણ ગુનેગાર ઠર્ં.” મનાલી અવળચંડાઇ કરતાં બોલી. પણ મનાલી, તારા કહેવાથી તો મેં આ બધું કર્યું ને હવે તું મને
સાથ નહીં આપે?” મેહુલ કરગરવા લાગ્યો.
“નરાધમ, તું તારા માવતરનો ન થયો એ મારો શું થવાનો…? હું તને નથી ઓળખતી જવા દે. મેં મારું સર્વસ્વ અનુપને અર્પણ કર્યું છે.’’
એણે ‘અનુપ’ કહીને બૂમ પાડી.
આસોપાલવ પાછળ છૂપાયેલો અનુપ દોડતો આવ્યો ને એણે મનાલીના પગ પાસે પડેલી છરી ઉઠાવી ને મનાલીના પડખામાં ભોંકી દીધી.
‘‘અનુપ’’ ઢળી પડતી મનાલીએ ચીસ પાડી.
આ તે શું કર્યું યાર?” મેહુલ અનુપના ખભા પકડી ને
હચમચાવતાંબોલ્યો.
મેં જે કર્યું એ બરાબર છે…. જેણે તારા હાથે જ તારા મમ્મી પપ્પાનું ખૂન કરાવ્યું ને છતાંય તારી ન થઇ એ મારી શું થવાની હતી…!”
મેહુલ ધ્રૂસકે ધ્રૂસકે રડતાં બોલ્યો, ‘‘અનુપ, મેં મારા મમ્મી પપ્પાનું ખૂન નથી કર્યું. હું તો મનાલીની કસોટી કરવા માગતો હતો એની વફાદારી ચકાસવા માગતો હતો. હવે જલદી ચાલ ભેરૂ પોલીસ સમક્ષ એક અબળાનું ખૂન કર્યાનો ગુનો કબૂલી લઇએ.”
– બીજે દિવસે લોકો વાતો કરતાતા કે શારદાબાગમાં ગઇકાલે બે લવરમૂછિયા યુવાનોએ અંધારી આલમની એક એઈડ્ઝવાહક રૂપજીવનીને વેતરી નાખી.
નીલેશ પંડ્યા લિખિત લઘુકથા
સંગ્રહ ‘જૂઈના ફૂલ’માંથી સાભાર