મોહનસિંહ રાઠવાના રાજીનામાં બાદ કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડે રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કરી લીધો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે માત્ર 21 દિવસનો જ સમયગાળો બાકી રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસને છેલ્લા 24 કલાકમાં બે મરણતોલ ફટકા પડ્યા છે. છોટા ઉદેપુર વિધાનસભા બેઠક પરથી છેલ્લી 10 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાતા મોહનસિંહ રાઠવાએ ગઇકાલે સાંજે રાજીનામું આપ્યા બાદ પુત્રની સાથે ભાજપમાં જોડાઇ ગયા હતા. દરમિયાન આજે ગીર સોમનાથ જિલ્લાની તાલાલા વિધાનસભા બેઠકના કોંગી ધારાસભ્ય જશાભાઇ ભગવાનજીભાઇ બારડે ધારાસભ્ય અને કોંગ્રેસના તમામ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી વિધિવતરીતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. 24 કલાકમાં બે ફટકા પડવાના કારણે કોંગ્રેસના કાર્યકરો સ્તબ્ધ થઇ ગયા છે.
વિધાનસભાની આગામી ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બેઠકો સાથે ભાજપ જીત મેળવવા ઇચ્છી રહ્યું છે. દરમિયાન ઉમેદવારો જાહેર કરતા પહેલા ભાજપ દ્વારા કોંગ્રેસની એક બાદ એક વિકેટો ખેડવવામાં આવી રહી છે. ગઇકાલે છોટા ઉદેપુર બેઠકના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ધારાસભ્ય ઉપરાંત કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું અને પોતાના પુત્ર રાજુભાઇ રાઠવા સાથે કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. તેમના પુત્ર રાજુભાઇને ભાજપ છોટા ઉદેપુર બેઠક પરથી મેદાનમાં ઉતારે તે ફાઇનલ માનવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાની તાલાલા વિધાનસભા બેઠક પરથી 2017ની ચૂંટણીમાં 31,730 મતોથી વિજેતા બનેલા ભગવાનજીભાઇ બારડે આજે વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર અર્પણ કર્યો હતો. સાથોસાથ તેઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરને પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિતના તમામ પદો પરથી રાજીનામું આપતો પત્ર આપી દીધો હતો. તેઓ બપોરે વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ભગાભાઇ બારડ સૌરાષ્ટ્ર આહિર સમાજના બહુ મોટા આગેવાન છે. પૂર્વ સાંસદ સ્વ.જશાભાઇ બારડના તેઓ ભાઇ પણ છે. તેમના પિતા ધાનાભાઇ બારડ પણ કોંગ્રેસના આગેવાન હતા. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં તેઓની ઉપેક્ષા થઇ રહી હોય આજે તંગ આવી તેઓએ કોંગ્રેસના ધારાસભ્ય અને પ્રાથમિક પદેથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરીલીધો છે.